Wednesday, July 19, 2006

સંતુષ્ટ ભૂંડ લેખક: મહેશ દવે

સંતુષ્ટ ભૂંડ લેખક: મહેશ દવે, વાર્તાસંગ્રહ "તાણાવાણા' માંથી મને ગમી ગયેલી એક વાર્તા. કોણ માની શકે કે આ વાર્તા ચાલીસ વર્ષ પહેલાં લખાયેલી છે!
બાબુ પાંચભાયા


રમેશ સવારે ઉઠ્યો ત્યારે સાત વાગ્યા હતા. રૉજની જેમ આજે પણ દુ:સ્વપનોની વણજારના ભારથી માથું ભારેભારે હતું. ચહેરો ચીકાશથી ઍટલો ભરપુર હતો કે વગર સ્પશેઁ તે ચીકાશ અનુભવતો હતો . તેના શરીર તેમજ કપડાંમાંથી આખી રાત ગોંધાઈ રહેલી બદબો મુક્ત થઈ તેની આસપાસ ગઢ રચી જાણે તેને ગોંધવા પ્રયાસ કરી રહી. યંત્રવત્ તેણે પેસ્ટ અને બ્રશ લીધાં અને ગેલેરીમાં ગયો . સૂયઁનાં પીળા કિરણોએ તેના પર આક્રમણ ક્યુઁ . તે 'ઈરિટેટ' થઈ ગયો . જોરથી કફ ખેંચી તે થુંક્યો .પીળા પ્રકાશથી છવાયેલું વાતાવરણ સુસ્ત લાગયું. તેણે પોતે પણ સુસ્તી અનુભવી. "સવારંનો સમય સફુતિઁનો સમય છે તે "મીથ" કેવી રીતે આટ્લી વ્યાપક બની હશે?" - તે વિચારી રહયો.

"ચાલો હવે જલદી કરો; ચા ઠંડી થઈ જશે." તેની પત્ની કહી રહી હતી. પત્ની નાનીશી ઓરડીમાં ચારે તરફ ઘૂમી રહી હતી. ઘડીમાં રાંધવાની ચોકડીમાં રસોઈ જોતી હતી, તો ઘડીમાં ઝાપટ-ઝૂપટ, કચરો-વાસીદું અને એમ બધું ધમાધમ થતું જતું હતું. રમેશ વિસ્મયથી પત્નીની ચહલપહલ જોતો રહયો અને ચાના ઘૂંટડા ઉતારતો ગયો..

ચા પછી ટેવને કારણે તેનામાં કંઇક ઝડપ આવી. જલદી-જલદી દાઢી, શૌચ વગેરે પતાવી તે નાહવા ઘૂસ્યો.. પાણી સાથે પરસેવાની ચીકાશ અને બદબો વહી જતાં તે કંઇક હરવો થયો, પણ નાહીને શરીર લૂછયું કે તરત જ તેના ઉદ્વેગોને કારણે હોય કે તેની ઝડપને કારણે હોઇ કે પછી વાતાવરણના ઉત્તાપને કારણે હોય, તે પરસેવે રેબઝેબ થઇ ગયો. બાથરૂમની બહાર નીકરતાં સુધીમાં નાહવાથી મેળવેલી તાજગી ખતમ થઇ ગઇ. ચારેકોરથી ઉઠતા ઘોંઘાટથી તે અકળાયો.. પત્ની ભગવાનના બેત્રણ ફોટા સામે બેઠી હતી, માતાજીનો પાઠ કરતી હતી, પાસે દીવો બળતો હતો.. તેની પત્નીની સ્વસ્થતા તરફ તેને ધ્રુણા થઇ આવી. એક લાત મારી તેને, તેના ભગવાન તથા દીવાને ઉડાડી દેવાની વ્રુત્તિ તેણે માંડ-માંડ રોકી. કપડાં પહેરી, છાપું લઇ બેઠો તેટલી વારમાં તે પાછો સોબર થઇ ગયો..

તેની આંખો છાપામાં હતી, પણ નજર આગળ કંઈક જુદું જ દૅશ્ય હતું. કોલેજમા સાથે હતી પેલી નીલા. તેની સાથે પ્રેમ તો કેમ કહેવાય, પણ જરા સંબંધ થયો હતો. તેને પરણયો હોત તો ! તે આ રીતે માતાજીનો પાઠ તો ન જ કરતી હોત. કાલે જ એને ફાઉન્ટ્ન પર જોઇ - કેવી ચબરાક, લટકાળી! કોઈકની સાથે મોટરમાં બેસતી હતી. તેને તે પરણી હશે? કદાચ એમ જ હોઈ - આ છોકરીઓ પૈસાને જોઇને જ પરણે છે. વધુ વિચારતાં એને લાગયું કે તેમાં ખોટુંય શું હતું? પૈસા અને તેથી પ્રાપ્ત થતી સગવડ સિવાય જીવનમાં બીજું છે શું? તેના પોતાના જીવનનો આદશઁ આખરે શો હતો? એક સરસ ફ્લેટ હોય - ડ્રોઇંગરૂમ, બેડરૂમ, સ્ટડી અને કિચનવાળો.. સરસ મજાનો સોફાસેટ હોય, ડાઇનિંગટેબલ હોય, રેફ્રિજરેટર હોય, ગીઝર હોઇ અને વધુમાં નાનકડી કાર હોય. આ બધાને મેઇનટેઇન કરવા સારો પગાર કે આવક હોય. બસ આથી વધુ તે શું માગતો હતો? છોકરીઓ આને માટે યોજના કરી પરણે તો તે ડહાપણનું કામ ન ગણાય? દાખલા તરીકે, નીલા તેને પરણી હોત તો તેની હાલત કેવી હોત? પણ એના કરતાંયે તેની પોતાની હાલત કેવી થઇ હોત? તે કલ્પના કરતાં અત્યારની પત્ની ઘણી સારી લાગી. બાઈ ઘણી સાદી. ટૂંકી આવકમાં બધું ચલાવતી હતી, એટલું જ નહી, પોતાની જાતને સુખી માનતી હતી. અને તેને સુખી કરવા પ્રયત્ન કરતી હતી. ગામડેથી પરણી મુંબઇ આવી તેનો તેને ગવઁ હતો.. આ મકાનો, સડકો, ઝાક-ઝમાળ જોઈ તે કૃતાથઁ થઇ ગઇ હોઇ એવું લાગતું હતું. પંદરેક દિવસે એકાદ વાર જુહુની રેતીમાં ભેળ ખવડાવીએ અને પાસેના સબબઁન થિયેટરમાં સસ્તામાં સિનેમા બતાવીએ એટલે ભયો-ભયો.. બિચારી, વિહાર લેક, ચાઇના ક્રીક, સારી હોટલો - સિનેઘરો, બધાંથી અજાણ હતી. Ignorance is bliss - તે ખરેખર આનંદમાં હતી. તે તેને envy તો નહોતો કરતો ને? જો એમ હોઇ તો what a fool! પ્રોફેસરે કૉલેજમાં ઉચ્ચારેલું સૂત્ર યાદ આવ્યું: Better a Socrates dissatisfied than a pig satisfied. તેની પત્નીને satisfied pig સાથે સરખાવવાની મજા આવી, પણ પ્રોફેસરનું સૂત્ર અત્યારે પહેલાં જેટલું સત્યના રણકારવાળું નહોતું લાગતું. તેણે વિચારવાનું છોડી છાપું વાંચવા માંડ્યું.
જમવાની બૂમ પડી. તેને ભૂખ લાગી નહોતી, પણ ટાઈમ થયો એટલે જમવા બેસવું જ રહ્યું, તેની પત્ની રોટ્લીના દડા ફુલાવી-ફુલાવી તેની થાળીમાં નાખતી હતી. ગરમ-ગરમ ફુલકા બનાવવાની અને ખવડાવવાની તેની કળા પર તે મુસ્તાક હતી. આપણું ગુજરાતીઓનું ખાણું સાલ્લૂં all weight and no substance. તે રોટલીના ડૂચા ઉતારી રહ્યો ' હવે નહિ જોઈએ.....' 'અરે, હજી તો બે જ થઇ છે....' રોજની આ રોટલીની ખોટી ગણતરીની જોક અને એના પર પત્નીનું મરકવું. તેને એવી તો ચીડ ચડી.... પણ કંઇ કર્યા વગર જમીને ઑફિસે જવા તૈયાર થયો. પોતાની નિયમિત અને યાંત્રિક દૈનિક ગોઠવણને કારણે તેને ટ્રૈન પકડવા દોડવું નહોતું પડતું, તેમજ ટ્રૈનમાં ઉભા રહેવું નહોતું પડતું. એનું મગજ ચાલ્યા જ કરતું હતું. એને થયું કે બીજાઓની જેમ એને પણ ટ્રૈન પકડવા દોડવું પડતું હોત તો સારું થાત. આ વિચારચક્રમાંથી તો છૂટત. ટ્રૈનમાં સ્થાન મેળવવા ફાંફાં મારતો હોત અને પછી કલબટઁસન અને બ્લેકવૂડને ગોળી મારી હાકોટા-છાકોટા કરી ફેંક-ઠોક બ્રિજ રમતો હોત તો માનસિક યાતનામાંથી તો ઉગરત! - satisfied pig થવાની તેને વ્રત્તિ થઇ આવી.

ઑફિસનું કામ તેણે પટાપટ પતાવવા માંડ્યું. બુદ્ધિના ઉપયોગ વગરનું આ કામ! 'રોબો' પણ કરી શકે. 'ભારતના બુદ્ધિજીવીઓની શક્તિનો વ્યય' આ વિષય પર ભાષણ આપવાનું કે લેખ લખવાનું તેને મન થઇ આવ્યું. પણ શો અર્થ? કોણ વાંચે છે? કોણ વિચારે છે?

બપોરની રિસેસમાં હરિશને લઇને યુનિવસિઁટીની લૉન પર ગયો.. કોલેજનાં છોકરા-છોકરીઓને છેલબટાઉ થઇ ફરતાં જોયાં. 'બેટ્ટાઓને ખબર પડશે.' હરીશ પાસે પેલું ભાષણ ઝાડ્યુ - 'બુદ્ધિજીવીઓની શકતિનો વ્યયવાળું'. રાજકારણીઓને, ઓફિસના બૉસને, આપણા લોકોને, બધાંને પેટ ભરીને ગાળો આપી.
યુનિ.-ગાર્ડન પરથી ઑફિસે જતાં હોટલ "ખૈબર'માંથી બહાર નીકળતો સુરેન્દ્ર મળ્યો.. 'હલ્લો...ચાલ ઓફિસ પર મુકી જાઉં." તેણે ટેક્સી બોલાવી. કૉલેજના દિવસોમાં સુરેન્દ્ર સામે તે હંમેશા ગુરુતા અનુભવતો હતો. પરીક્ષા વખતે તેંનો પ્રોફેસર બની જતો અને આમેય તે પોતે તેના friend કરતાંય philosopher અને guide જેવો વિશેષ હતો.. હવે તેની હાજરીમાં હંમેશાં લઘુતા અનુભવતો. તેથી જ તેને મળવાનું ટાળતો. એક કંપનીમાં તે પી. આર. ઓ. બની ગયો હતો. કેવી રીતે? શી આવડતે? - એ કોયડો જ હતો.. સાલો સારું કમાતો હતો. ટેકસી સિવાય વાત નહોતો કરતો. અને એરકન્ડિશન્ડ હોટલો સિવાય અપૉઇન્ટમેંટ નહોતો આપતો .એની હોશિયારીની કોણ જાણે કેટલીયે વાતો કરી રહયો હતો . પણ રમેશનું ધ્યાન એના પર ન હતું. તે એની આવક વિશે વિચારતો હતો . તેને ચોકકસ ખાતરી થઇ કે તે 'પીમ્પ'ગીરી કરતો હોવો જોઇએ . સુવ્વર! સાલો ! બાટલીથી માંડીને છોકરી સુધીનું બધું એના બૉસને 'સ્પલાય' કરતો હશે. એ જ, એ વિના તે કઇ આવડત પર તે આગળ વધી શકે? નીતિના માર્ગે રોટલો ને મીઠું કમાઇ જીવવાના સંતોષથી સુરેન્દ્રની ગેરહાજરીમાં એના કરતાં તે ગુરુતા અનુભવી રહ્યો..

'સાડાત્રણ-ચાર થાઇ ત્યારે જ બરાબર ભૂખ કેમ લાગતી હશે?' 'મદ્રાસી'માં જવા તે તલસી રહ્યો.. આજુબાજુ જોઇ 'પ્લે હાઉસ' પરના વેશ્યાગ્રુહમાં ઘરાક ચોરીછૂપીથી અંદર ઘૂસી જાય તેમ Grade IIIની હોટલમાં રમેશ ઘૂસી ગયો ....રખે સુરેન્દ્ર જેવો કોઇ જોઇ જાય. સરકારે આ ગ્રેઇડો એના જેવાની હાંસી ઉડાડવા જ કરી લાગે છે. અંદર ઘૂસ્યા પછી ઓછામાં ઓછા દરે વધુ પ્લેટો કઇ આવી શકે તે માટે 'આજની સ્પેશિયલ વાનગી' પર તેણે નજર ફેરવી. જોકે એ બધી વાનગીઓ તેમજ તેના ભાવો મોઢે થઇ ગયા હતા.

ચા-નાસ્તા પછી કંઇક મજા આવી. ઑફિસનો ડોઢેક કલાક એ મસ્તીમાં નીક્ળી ગયો . મનમાં જ નકકી કર્યું. - 'ભાડમાં જાય બધી વિચારણા. માત્ર સુખદ શારીરિક સંવેદનોના જગતમાં જ વસવું.' વિચાર-વિચાર-વિચારની ચુંગાલમાંથી છૂટવા રોજની અંધેરી લોક્લ છોડી ડબલ ફાસ્ટની ગિરદીમાં ચડયો , લટકયો . ગ્રાંટ રોડ છોડી ટ્રૈન ફાસ્ટ દોડવા લાગી . થોડે છેડે અંદર ઊભેલ એક દંપતીને જોવામાં એને રસ પડયો.. મેલખાઉ રંગનાં પાટલૂન-ખમીશવાળો, ચીંથરા જેવી ટાઇ લટકાવેલો, દેખાવે આધેડ યુવક ભીડથી પત્નીનું રક્ષણ કરી રહયો હતો.. બાઇના હાથમાં બાળક હતું, તે ધાવતું હતું. 'બાઇ કેટલી પ્રસન્ન જણાતી હતી! પોતાની પત્ની જેવી! Pigs All.....પણ........પણ.........તેની મુખની રેખાઓ તેની પત્નીને મળતી આવતી હતી અને પેલો ચીંથરા જેવી ટાઇવાળો પોતાના જેવો બનતો જતો હતો....... તે ભૂંડોના ટોળામાં ભળતો જતો હતો .' સમતુલા જાળવવા માટે રમેશે 'ક્મ્પાર્ટમેન્ટ' માં વચ્ચે નાખેલો 'બાર' પકડયો હતો . લોઢાના પોલા પાઇપથી બનેલો 'બાર' ઘસાઇ-ઘસાઇ સુંવાળો થઇ ગયો હતો . રમેશની પ્રસ્વેદભીની હથેળી 'બાર'થી છૂટતી જતી હતી - ટ્રૈન ચાલ્યે જતી હતી.......ચાલ્યે જતી હતી.....ફાસ્ટ, વધુ ફાસ્ટ.


મહેશ દવે "તાણાવાણા' વાર્તાસંગ્રહમાંથી ઉતારેલી વાર્તા

2 Comments:

At 20 July, 2006, Blogger વિવેક said...

પ્રિય વફાસાહેબ,

આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:

શબ્દો છે શ્વાસ મારાં
www.vmtailor.com

વિવેક

 
At 02 August, 2006, Anonymous Anonymous said...

khoob j saras lekh ane saache j mane haji nahti maanya ma avtu ke aaj thi 40 varas pela aa lakhaayo hase.
Wafa saheb..khoob khoob aabhar aa lekh badal



mital

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter