Tuesday, December 19, 2006

ગેટ- ટુ - ગેધર _ આશા વિરેન્દ્ર શાહ.

ગેટ- ટુ - ગેધર _ આશા વિરેન્દ્ર શાહ.

તદન પાંખા અને શ્વેત કેશવાળી , કમર અને ખભેથી વાંકી વળી ગયેલી, બીજાં કોઈના કપડાં પહેરી લીધા હોય એવાં માપ વગરના કપડાં પહેરેલી અને દમિયલ જેવી લાગતી એક સ્ત્રીએ હોટલમાં પ્રવેશી,ટેબલ પર પર્સ ગોઠવતાં હજી શ્વાસ લીધો ન લીધો ત્યાં જયંત એની પાસે પહોંચી ગયો..
‘એક્સક્યુઝ મી મે'મ, આ ટેબલ રીઝવર્ડ છે’
પેલી સ્ત્રી એ ખુરશી પરથી ઊભા થઈને જયંત ના બરડા પર બે-ત્રણ વખત પર્સ ફટકારતાં કંઈક રીસમાં અને કંઈક હસતાં હસતાં કહ્યું ‘ મને મે’મ કહેછે ? શરમ નથી આવતી? એક તો ઈન્વાઈટ કરે છે ને પાછો ખુરશી પર થી ઊભી કરીને મારું ઈન્સલ્ટ કરે છે? હવે તો મારે તારી પાર્ટી માં થી વોક આઉટ કરવો પડશે.
વાત જાણે એમ હતી કે સીનીયર સીટીઝન થવુ થવુ કરતાં જયંત ને એકાએક વિચાર આવ્યો કે,ચાલીસેક વર્ષ પહેલાં જે શાળાના સહાધ્યાયીઓ હતા એ સૌ હવે શું કરતા હશે ? ક્યાં હશે? સૌને ભેગા કરવા જોઈયે. ફરીથી. બધાયે એકબીજા ના સંપર્ક મા રહેવું જોઈયે. બસ પછી તો વિચાર ને અમલ માં મૂકતા વાર કેટલી? એક પાસે થી બીજાનો અને બીજા પાસે થી ત્રીજીનો એમ ભાઈબંધ બહેનપણીઓ ના નંબર મળતાં ગયા. જયંત તરફથી ‘ગોલ્ડ-કોઈન’ હોટલ માં રાખેલી પાર્ટીમાં સજોડે આવવાના આમંત્રણ અપાતાં ગયા અને એમ આજની પાર્ટી ના યજમાન શ્રીયુત જયંતભાઈ, શાળા ના દિવસોમાં પોતે જેને માટે મરી ફીટવા તૈયાર હતાં એવી પોતાની ડ્રીમગર્લ કામિની ના વિચારો માં ખોવાએલા હતા ત્યાં આ મુર્તી સામે આવીને ઊભી પોતે આમંત્રણ આપેલી ‘છોકરીયો’ માંથી આ કોણ હોઈ શકે એની કાંઈ ઘડ બેસતી નહોતી.
‘ચાલ હું એક, બે ને ત્રણ ગણું એટલી વારમાં મને ઓળખી બતાવ’ પેલી સ્ત્રીએ પડકાર ફેંક્યો અને શરૂ કર્યું ‘એ....ક’
પડકાર ઝીલ્યા સિવાય જયંતનો છુટકો નહતો.. એક-બે નામ આપું એમાંથી કોઈને કોઈ તો સાચું પડી જશે.એમ વિચારીને એણે કહ્યું, ‘ શોભા’ ?
‘નો’ પેલી સ્ત્રી ને રમુજ થતી હતી .
‘બે’ પોતાની ગણતરી માં આગળ વધતાં તેણે કહ્યું .
‘હં.......હવે ઓળખાણ પડી . માલા, રાઈટ ?’ જયંત જરા વધુ આત્મ વિશ્વાસ બતાવતા બોલ્યો.
‘નો, રોંગ અને હવે મારી ત્રણ સુધીની ગણતરી પૂરી થાય છે . મને ઓળખવામાં તમે નિષ્ફળ ગયા છો, મિ. જયંતકુમાર ‘
હથિયાર હેંઠામૂકતાં, ઊંડો શ્વાષ લઈને જયંતે શરણાગતિ સ્વીકારી.
‘સોરી,આઈ કાં’ટ રેક્ગ્નાઈઝ યૂ. પ્લીઝ, તમારુ નામ કહેશો ?’
પેલી સ્ત્રી ની આંખો માં ભીનાશ ફરી વળી. તેનો અવાજ ગળગળો બન્યો. ‘ શું હું એટલી બધી બદલાય ગઈ છુ કે તું મને ન ઓળખી શક્યો? મને ? સ્કુલમાં જેની પાછળ લટ્ટુ થઈને ફરતો’તો એને સાવજ ભૂલી ગયો? કોઈ દિવસ યાદ નથી આવતી કામિની, જેના લાંબા લાંબા ચોટલા તું કાયમ ખેચ્યા કરતો’તો ?
‘ કામિની ?’
ખુલ્લા વાયર ઉપર હાથ લાગતાં કરંટ લાગવાથી જે તીવ્ર આંચકો લાગે એવોજ આંચકો જયંતને આ નામ સાંભળતા લાગ્યો. પાછળ દિવાલ નો આધાર ન હોત તો એ ચક્કર ખાઈને પડત. જેમતેમ પોતાની જાત ને સંભાળતા એણે કહ્યું ‘ ડોન્ટ ટેલ મી. કેટલી ચેઈંન્જ થઈ ગઈ છે તું? કોઈ એંગ્લથી પહેલાં ની કામિની નથી લાગતી. એને મોઢાપર તો શી રીતે કહેવાય, પણ જયંત ના સંવાદ ચાલ્યો.'ક્યાં ગયા તારા લાંબા ઘટાદાર,કાળા ભમ્મર વાળ, તારી અણીયાળી પાણીદાર આંખો અને તારી દમામદાર ચાલ?'
એના મન માં ચાલતી મથામણ સમજી ગઈ હોય એમ કામિની બોલી 'ફક્ત હું જ બદલાય છું એવું થોડું છે ? તારુ કસરત કરીકરીને કસાયેલું,ખડતલ અને સપ્રમાણ શરીર જોઈને છોકરીઓ તારી પાછળ ગાંડી થતી, ને હવે જો,પેટ કેવું આગળ આવી ગયું છે ?
હસવાની જરાય ઇચ્છા ન હોય ને જાણે કોઈ ગોદા મારીને પરાણે હસાવતું હોય એમ જયંતે મોં મલકાવ્યુ. આ પ્રોઢા જ કામિની છે એવુ જાણ્યા પછી જયંત નેી આજની પાર્ટી ના યજમાન બનવાની હોંશ પર હેવી રોલર ફરી વળ્યું.
કામિની શાળાની 'બ્યુટીક્વીન' ગણાતી. એ વખત ની સૌથી સુંદર અભિનેત્રીમાં જેની ગણતરી થતી એવી સાયરાબાનુ સાથે સૌ એને સરખાવતાં.પોતાના સૌદર્ય થી સભાન કામિની નો રૂઆબ પણ કાંય ઓછો નહતો.જેવા તેવા ની સામે તો એ નજર સરખીય ન નાંખતી. પણ જયંતની તો વાત જ નિરાળી હતી. વક્ત્રુત્વ સર્પધા હોય કે ચર્ચાસભા,નિબંધ લેખન હોય કે ચિત્રકળા બધા માં એનુ અને જયંત નું નામ સાથે સાથે જ લેવાતું, એ બંન્ને વિના જાણે શાળા ની કોઈ પ્રવ્રુતી થઈ જ ન શકતી. કામિની જ્યારે સાહિત્ય મંડળ ની મંત્રી બની ત્યારે એણે સહમંત્રી તરીકે જયંત ના નામ પર જ પસંદગી ઉતારી . આમ આ બે યૌવન ને આંબવા થનગની રહેલાં હૈયાં એક્મેક ને તાલે ધબકવાં લાગ્યા.શાળાનું શિક્ષણ પત્યાં પછી કોલેજ માં પણ બંન્ને સાથે જ જઈશું અને પછી તો જેીવન્ભરનો સંગાથ,સુંવાળું સાહચર્ય એવાં એવાં તો કંઈકેટલાય ચિત્રોમાં કલ્પનાના રંગો પૂરી બેઉએ હૈયાને ખુણે સજાવી રાખ્યાં હતાં પણ આમાનું એકે ય સપનું સાકાર થાય એ પહેલાં તો.......
અનિલ પોતાની અર્ધાંગના સરિતા ને અને ભરત પોતાની પત્ની શોભાને લઈને એકસાથે આવી પહોંચ્યા. મિત્રો તો ક્યારેક,ક્યારેક એક્બીજાને મળતાં એતલે ઓળખાળ તાજી કરવામાં બહુ મુશ્કેલી ન પડી. મહિલાઓએ હાય હલ્લો કરતાં પરિચય કેળવવાની શરુઆત કરી.એવામાં વાવાઝૉડા ની માફક કડાકા-ભડાકા સાથે સુધાની એન્ટ્રી થઈ.લાલચટાક લીપ્સ્ટીક થી રંગેલા હોઠ, કપાળ માં મસમોટો ચાંદલો,ગળામાં મોટા મોતીની માળા અને સ્લીવલેસ બ્લાઉઝ- આવી સાજસજ્જાને લીધે સુધા હતી એનાં કરતાં વધુ ભરાવદાર અને જાજરમાન લાગતી હતી.શાળાના વર્ષોમાં ટોમબોય ગણાતી સુધા આજેય એવીજ અલ્લડ રહી શકી હતી. પોતાનાં પતિ રવી નાં હાથમાં હાથ પરોવી દાખલ થયેલી સુધાએ કોઇ એરહોસ્ટેસ ફ્લાઈટ માં કોઈ અગત્ય ની જાહેરાત કરી રહી હોય એવા અંદાજમાં કહ્યું, ‘ યોર એટેન્શન પ્લીઝ , મીટ માય હસબ્ન્ડ રવિ.’
દાંત માં આંગળી દબાવીને કોઈ સ્ત્રી શરમાતી હોય એવો અભિનય કરતાં રવિ ખુરશી પર બેઠો ને એ જોઈને સૌ ખડખડાટ હસી પડ્યા.સુધાના શરીરે વિસ્તરવામાં માઝા મૂકી દીધી હતી. સૌએ એને આ બાબત માટે ઠપકારી તો એણે ખભા ઊચાં કરતાં,ટી.વી. પર આવતી એડવર્ટાઈઝ માંની યુવતી ની માફક કહ્યું ‘આઈ ડોંન્ટ કેર’
જેમજેમ મિત્રો,સખીઓ આવતાં ગયાં તેમતેમ એમની વાતો રંગ પકડતી ગઈ.
‘અલ્યા જયંતિયા,અમને બધા ને બોલાયા છ પણ તારી બૈરીને ક્યાં મૂકીને આયો? કે પછી એને બુરખામાં રાખી છે.?
ડોકટર હોવા છતાં સુબોધ જૂના દોસ્તોને મળીને અસલ મૂડમાં આવી ગયો હતો..ચહેરા પર ગંભીરતાં ધારણ કરતાં જયંતે કહ્યું ‘જવા દે ને યાર,એને અચાનક એક સીરીયસ પ્રોબ્લેમ થઈગયો’
' શું થયું શું થયું'?
'થયું એવું કે અત્યાર સુધી એની જે સુરેખ, સપ્રમાણ,દાડમ ની કળી જેવી દંતાવળી હતી એમાંથી એક પછી એક યોધ્ધો શહીદ થવા લાગ્યો, પોતાને ચિરયોવના માનનાર ભારતી ને દાંતની અકાળે વિદાયને કારણે કારમો આઘાત લાગ્યો. ચોખઠું કરાવ્યુ પણ એ ખાતી વખતે ફાવતું નથેી અને પોતાની આવી તકલીફનેી કોઈ મજાક ઉડાવશે એવી બીકે , ઘણું સમજાવવા છતાં એ આવવા તૈયાર જ ન થઈ.'
'ઓહ ! હાઉ સેડ !'
વાતો કરતાં સૌનું ધ્યાન મેનુકાર્ડ તરફ વળ્યું.
’શું મંગાવવું છે ?’
એ સવાલ ના જવાબ માં આંખો ખેંચી ખેંચી ને કાર્ડમાં જોવાની કોશીશ કર્યા પછી શોભાએ ભરત ને હવાલો સોંપ્યો.
’તું જ નક્કી કર’
અનિલ કહે ‘ભાભી અહીં પણ પતિવ્રતાંપણું? આ ક્યાં ઘર છે કે, ભરત કહે એમજ થાય. હોટલમાં આવ્યા છો તે તમારી મરજી થી મંગાવોને !’
ભરતે ફોડ પાડ્યો,'કશું ય પતિવ્રતાપણું નથી. આ તો બેતાલા વિના વંચાતું નથી, અને ચશ્માં ઘરે ભૂલીને આવી છે. એ કારણ છે સમ્જ્યો'
' ચાલો સ્ટાર્ટર્સ મંગાવીયે.કામિની સ્પ્રીંગ રોલ્સ ફાવશે ને?'
'હું કશું નહી ખાઉ મારે સંકેષ્ટી ચોથનો ઉપવાસ છે .હું તો ખાસ બધાને મળવા જ આવી છું' કામિનીએ ત્રાસી નજરે જયંત તરફ જોતાં કહ્યુ .
' તે સંકેષ્ટી ચોથમાં શું કરવાનું?'
'આખો દિવસ ઉપવાસ કરવાનો,રાત્રે ચંદ્રમાનાં દર્શન કર્યા પછી જ ખાવાનું'
બટક બોલી સુધા મોંમા વેફર ખોસતાં બોલી'પહેલાં હુ ય ચંદ્રમાં ના દર્શન કરતી પણ હવે થોડા વર્ષો થયા છોડી દીધું છે.'
'કેમ કેમ ?સૌની જિજ્ઞાસા જાગ્રુત થઈ.'લે એમાં કેમ શું?રીઝન ઈઝ વેરી સીમ્પલ ચંદ્રના દર્શન કરવાં તો ટેરેસ પર જવું પડે,એમાં મારી નાજુક કાયાને કેટલું કષ્ટ પડે? એના કરતાં મારે તો ઘરબેઠા જ રવિ ની ટાલ ના દર્શન કરી લેવાનાં'
સુધાના મૌલિક જોક પર હો હો કરીને હસતાં રવિની સાથે બીજા પુરૂષો પણ પોતપોતાની ટાલ ઉપર હાથ ફેરવવાં લાગ્યા.
વળી પાછી વાત મેનૂ પર આવી. હવે જયંતે એક એક કરી સૌને 'શું ખાવું છે?'ીમ પુછવા માંડ્યુ.
'મને ડાયાબીટીસ છે,નો સ્વીટસ.'
' મને યાર, આ બીપી નો પ્રોબ્લેમ ઘુસી ગયો છે ને ત્યારથી તળેલું સદંતર બંધ કરી દીધુંછે.'
'મને આ ન ફાવે,મારા હસબ્ન્ડ ને પેલું ન ફાવે.'
'મારી વાઈફ ડાયેટીંગ કરે છે એટલે એ રાઈસ નથી ખાતી'
આમ ન ફાવે,ન ફાવે નું લીસ્ટ લંબાતું જતું હતું.જયંત મૂઝાયો.
'તો પછી મંગાવવું શું છે ?'
અંતે સર્વાનુંમતે અપાયેલા ઓર્ડર મુજબ ઈડલી,ચટણી સાંભાર આવે ત્યાં સુધી સૌએ પેટ હલકું રાખવા પર,ખોરાક ઓછો કરવા પર, સ્વાસ્થય અને તંદુરસ્તી પર યથાશક્તિ વક્તવ્ય આપ્યું.અંતે,સૌ એવા તારણ પર પહોંચ્યા કે વય વધવાની સાથે આહાર વિહાર માં ફેરફાર ન કરીયે તો ચાલેજ?'
આ બધીયે ચર્ચાઓ વચ્ચે થી નીકળીને પોતાના એકાંત ના ટાપુ પર પહોંચી ગયેલો ગુમસૂમ બેઠેલો જયંત વિચારતો હતો કે 'ક્યાં શાળાના બેફિકરાઈભર્યા, ધીંગામસ્તી કરવાના,ખાઈ પીને જલસાં કરવાના દિવસો અને ક્યાં આજની આ ફિલોસોફી ભરી,ભારેખમ અને નિરસ ચર્ચા!છેલ્લા પંદર દિવસ થી વિચાર્યા કરતો હતો કે કામિની મળશે એટલે કહેશે 'જયંત યાદ છે આજના યુગ માં ચઢીયાતું કોણ સ્ત્રી કે પુરૂષ ? આ વિષય ની ચર્ચાસભામાં જુસ્સાભેર દલીલો કરતાં આપણે બંને કેવા સામસામે આવી ગયા હતાં? અંતે પહેલું ઈનામ આપણા બંને વચ્ચે વહેંચાયેલું'
વળી પાછી ભુતકાળ વાગોળતાં અને ઉત્સાહથી તાળી દેતાં એ બોલી ઉઠશે,'જયંત લૈલા મજનું નાટકમાં આબેહૂબ પ્રેમીઓનો અભિનય કરીને આપણે સ્કુલ માં ડંકો વગાડી દીધેલો નહીં?'
એને બદલે આ તો સંકેષ્ટી ચોથની અને ચંદ્રમાના દર્શનની અઢારમી સદીની વાતોનું પુરાણ ઊખેળીને બેઠી છે.તરવરિયો સુબોધ મળશે એવો તરતજ બેડમિન્ટનની ટુર્નામેન્ટની વાતોએ વળગશે અને ઘરેથી પૈસા તફડાવીને કેવાં ચોપાટીની ભેળપૂરી ઝાપટતાં એનું વર્ણન કરશે.વળી એક દિવસ ચોરી છુપીથી કુલ્ફીખાતાં એના મોટાભાઈએ ‘રંગે હાથ’ ઝડપી પાડ્યા હતાં અને પછી એના પપ્પાએ સુબોધીયાની બરોબર ધોલાય કરી હતી એ બધી વાતો એના જ મોઢે સાંભળીને બધા હસીહસી ને બેવડ વળી જશે એમ પોતે માનતો હતો એને બદલે આજે સુબોધ ચાર ડગલાં ચાલતાં હાંફી જાય છે અને ફરસાણ ને હાથે ય નથી લગાડતો. જીવન પરિવર્તન શીલ છે એ તો ખરું, પણ શું એ આટલી નિર્મમતાથી બદલાય?
ક્યારના ચુપચાપ બેઠેલા જયંત પર અચાનક અનિલ નું ધ્યાન ગયું. ખભો પકડીને જયંતને ઠંઠોળતાં એણે કહ્યું'ઓ જયંત મહારાજ, કૈ સમાધી-બમાધી લઈ લીધી છે કે શું? કઈ દુનિયા માં ખોવાય ગયા?'
અત્યારે તો આજ દુનિયામાં,તમારા સૌની સાથે જ છું, પણ બીજી દુનિયામાં જવાને હવે બહુ વાર નથી બસ,દિવસો ગણાય રહ્યા છે'ગળે બાજેલો ડુમો ખંખેરતાં જયંતે હસાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
'આજે આમ બધાને ભેગાં કરવાનું કારણ પણ એ જ કે, હવે મારી પાસે સમય નથી.બંન્ને કીડની ફેઇલ થઈ ગઈ છે.ડાયાલિસીસ કરાવીને થીંગડું મારવાનો ડોક્ટરો એ પ્રયત્ન તો કર્યા પણ સફળ ન થયા એટલે હવે ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છે. કહે છે, ગમે ત્યારે ફટાકડો ફૂટી જવાનો છે.એટલે થયું કે, ચાલો,એક્ઝીટ કરતાં પહેલાં યારો દોસ્તોને છેલ્લે છેલ્લે મળી લઈએ, અલવિદા કહી દઈએ. સ્કુલમાં જે ગીત તમે સૌ વારંવાર મારી પાસે ગવડાવતાં એ આજે ગાઈને તમારી ફરમાઈશ પૂરી કરી દઉ, બટ ધીસ ઇસ લાસ્ટ એન્ડ ફાઈનલ,નો વન્સમોર પ્લીઝ’
'હમ છોડચલેં હૈ, મહેફીલ કો,યાદ આયેં કભી તો મત રોના,
ઈસ દિલકો તસલ્લી દે દેના, ગભરાયે કભી તો મત રોના'
જયંત નો સૂરીલો કંઠ સૂર અને લય ચૂક્યો.બાજુમાં રાખેલાં ગ્લાસમાંથી પાણી પીતાં કોઈ ગાયક કલાકાર ની અદામાં બોલ્યો'બસ અબ આગે નહી ગા સકતાં ગલા ખરાબ હૈ'
બાજુમાં બેઠેલી કામિનીએ જયંત ને ખભે હાથ મૂકતા ઝળઝળીયાં ભરેલી આંખે કહ્યું'સ્કુલની દરેકે દરેક પ્રવ્રુતિ માં સાથે રહેતાંતા ને જયંત? ચાલ, આજે તને ગાવામાં સાથ આપું
' હમારે બાદ મહેફીલ મેં, અફસાને બયાં હોંગે,
બહારેં હમકો ઢુંઢેગી, ન જાને હમ કહાં હોંગે'
'મિત્રો, જિંદગી માં હું અને જયંત ભલે સાથે ન રહી શક્યા પણ જયંત ની સાથે રહીને દરેક પ્રવ્રુતિ કરવાનું મને એવું વળગણ થઈ ગયું છે કે મોત માં તો હું જરૂર એને સાથ આપીશ.આજે મારે સંકેષ્ટી ચોથ નો ઊપવાસ નથી પણ હું કશું ખાઈ જ નથી સકતી.આંતરડાનું કેન્સર અંતિમ તબક્કા છે.કેમોથેરેપી ના કારણે ઉતરી ગયેલાં વાળ અને ઊડી ઊતરી ગયેલી આંખો જોઈને તમને સૌને અને ખાસ કરીને જયંત ને લાગેલો આઘાત હું સમજી શકું છું. મારે પણ બધાની આખરી વિદાય લેવાની જ છે, પણ કહેતાં અચકાતી હતી. હવે જ્યારે જયંત નો સાથ મળી ગયો છે ત્યારે કહી જ દઉકે આજનું આપણું આ ગેટ- ટુ- ગેધર કદાચ મારા અને જયંત માટે પાર્ટ-ટુ-ગેધર બની રહેશેં'નબળાય ને કારણે આછા આછા ધ્રુજી રહેલાં પોતાના હાથ જયંત ના હાથ માં પરોવતાં કામિની બોલી 'બધા આમ સૂનમૂન કેમ થઈ ગયાં? અરે ખુશ થાવ કે આપણાં માના બે મિત્રો કમસે કમ ત્યાં જઈને તો સાથે રહેશે ને? અમે ન હોઈએ ત્યારે પણ તમે સૌ આજના દિવસે ગેટ-ટુ-ગેધર જરૂર રાખજો અને અમને બંન્નેને યાદ કરજો!'
કામિની નો અવાજ તરડાય ગયો.એનો હાથ પ્રેમપૂર્વક દબાવતાં જયંત બોલ્યો
'સાલાઓ, અમને મૂકી ને અહીં જલસાં કરવાના એમને ? પણ વાંધો નહી હું અને કામિની ઉપર એક્બીજાની કંપની માણી શું!'
કોઈએ મૂઠ મારી હોય એમ સ્તબ્ધ થઈ ગયેલાં મિત્રો ને શું બોલવું એ સૂઝ પડતી નહોતી


_ આશા વિરેન્દ્ર શાહ.

(વલસાડ_ ગુજરાત ના આશાબેન વિરેન્દ્ર શાહની વાર્તા ગેટ_ટુ-ગેધર પ્રકાશિત કરતાઁ ‘બઝમેવફા’ને આનઁદ થાયછે.એમનો શોખ સાહિત્ય.સંગીત અને અભિમનય છે. સાહિત્ય ના અલગ અલગ સ્વરૂપો જેવા કે નિબંધ,ચરિત્રલેખન,ટૂંકીવાર્તા,કવિતા વગેરે માં કામ કરવાં પ્રયત્ન. જન્મભુમિ-પ્રવાસી (રવીવારીય પૂર્તિ) અખંદ આનંદ જેવા સામાયિકો માં અવારનવાર લેખો,વાર્તા વગેરે છપાય છે.નાટકો (એકાંકી)બાળનાટકો,બાળવાર્તાઓ વગેરેનુ લેખન બાળકો ને નાટ્ય તાલીમ સાથે પોતાને પણ અભિનય માં રસ. )

4 Comments:

At 19 December, 2006, Anonymous Anonymous said...

સરસ વાર્તા . પ્ણ 63 વર્ષના આ બાળકની ફિલસુફી અલગ છે.
આ ક્ષણને માણો, જેવી છે, તેવી આ ક્ષણમાં જ જીવન છે.ગયેલી ક્ષણ મૃત છે અને આવનારી હજુ જન્મી જ નથી!

 
At 19 December, 2006, Anonymous Anonymous said...

Nice Story !!

 
At 19 December, 2006, Anonymous Anonymous said...

really very good story... brought tears in my eyes!

 
At 30 December, 2006, Anonymous Anonymous said...

આંખનાં ખૂણે એક અશ્રુબિંદુ બંધાઈ જાય એવી વાત કહી એને વાર્તા કેમ કહેવાય? કોઈને કોઈ રીતે આ જીવનનું સત્ય છે.

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter