Sunday, August 13, 2006

રૂબાઇયાતે શામિલ મનહર 'શામિલ'

અનજાન સુગંધીથી હ્રદય ડોલે છે,
રંગીન ગુલાબોનો પ્રણય ખોલે છે,
દિલદાર કહે રોજ સુરા વરસે છે,
ચકચૂર બનો સરતો સમય બોલે છે.


ભંડાર ભરેલા છે ને દોલત માંગી,
અરમાન વધારીને મુસીબત માંગી,
દુ:ખ-દર્દથી ઘેરાઇ ગયો તે જયારે,
જીવનમાં પ્રથમવાર મહોબત માંગી.


સંબંધમાં યે ફાગ મનાવે દુનિયા,
ને પ્યારમાં પણ ભાગ પડાવે દુનિયા,
દુનિયાની અજબ રીત સદાની જોઈ,
શ્રાવણમાં હજી આગ લગાવે દુનિયા.


ક્યાં કોઈને કદી શરમ લાગે છે,
સાચો હો પ્રેમ પણ ભરમ લાગે છે,
કયાં ખોવાઈ ગયાં હ્રદય દર્દીલાં?
આજે તો આંસુઓ રસમ લાગે છે.


ડાળીને ઝૂકતા સમય લાગે છે,
ફુલોને ખીલતાં સમય લાગે છે,
ફોરે છે હેતથી સુગંધી ફૂલો,
ભીતરને મ્હોરતાં સમય લાગે છે.


પલભરનો નિવાસી છે આ દુનિયામાં,
સંબંધ સુવાસી છે આ દુનિયામાં,
સંગાથ ઘડીભરનો છે જીવનમાં,
હર કોઈ પ્રવાસી છે આ દુનિયામાં.


જીવનભરનો એક ખજાનો હોય છે,
યૌવનનો એ કાળ મજાનો હોય છે,
જીવન પળપળનું કહે દુનિયા છતાં,
પ્રેમીને મન એક જમાનો હોય છે.


માશૂક લખે તે કાગળમાં છે પ્રેમ,
પળવાર ચમકતી ઝાકળમાં છે પ્રેમ,
સંદેશ મળે ત્યારે બંને બંધાય,
સંગીન સમયની સાંકળમાં છે પ્રેમ.

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter