Tuesday, February 27, 2007

નાઝિર દેખૈયા જીવન ,કવન

નામ :નૂરમોહમ્મદ દેખૈયા

તખલ્લુસ : નાઝિર

જન્મ :13-2-1921

જન્મ સ્થળ:ભાવનગર,સૌરાષ્ટ્ર

અવસાન :16માર્ચ1988

પ્રકાશનો:’તૃષાર ‘ ભાગ 1-2, ‘નાઝિર’ની ગઝ્લો ભાગ1-2,’સુનાઁ સદન’
માણી રહ્યાઁ છો આજે ગઝલો થઇ સૌ આનઁદ વિભોર
’નાઝિર’!કારણ શુઁ બતાવુઁ ? એ તો છે શબરીના બોર.

‘નાઝિર’ દેખૈયા
16માર્ચ1988 ભાવનગરના મધ્યબિઁદુમાઁથી એક જનાજો નીકળ્યો.ભાવનગરનુઁ એક અણમોલ રતન જન્નત નશીન થયુઁ હતુઁ.
’બેફામ’ તો ય કેટલુઁ થાકી જવુઁ પડ્યુઁ,
નહીઁ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

‘બેફામ’

ઘરથી કબર સુધી નાઝિર દેખૈયાને લઈ જવાન હતાત્યારેજ જનાજાને વારફરતી કાઁધ દેનારા મિત્રોના મનમાઁ શોકની ખરલમાઁ નાઝિરના શેર ઘુઁટાતા હતા,સ્મરણોના પુટ દેવાતા હતા.
ભાવનગરની વચ્ચોવચ્ચ આંબાચોક ,ત્યાઁ એક મેડીમાઁથી વહેલે સવારથી મોડી રાત સુધી બેંડની મધુર સૂરાવલીઓ હવામામ લહેરાયા કરે.અભુ બેંડ્ના માલિક બેબસ તબિયતે મુલાયમ.માતાપિતાની છ્ત્રછાયા નાની ઉમરે ગુમાવી બેઠેલા નાના ભાઈ નૂરમોહમ્મદને આંખના નૂરને જેમ સાચવે.ભાઈ_ભાભીના હેતમાઁ તરબોળ નૂરમોહમ્મદે શાળાનુઁ શિક્ષણ વહેલુઁ છોડી ભાઈના બેંડમાઁ કલેરિઓનેટ પર આંગળાઁ ફેરવવા માઁડયાઁ, અને ફેફસાઁની ફુઁકથી લોકોને મન ભાવન સૂર છેડવા માઁડયા. આ નૂરમોહમ્મદ દેખૈયા તેજ નાઝિર દેખૈયા.બેબસ ભાઈની મેડીમાઁ સંગીત જયારે આરામ ફરમાવે ત્યારે ગઝલ આળસ મરડે.બેબસ,ચમકાર,કિસ્મત, ખલીલ,રોશન,રફતાર,બેફામ,નિશાત ,આસીફ, વલી વિ.સૌ કવિતાનો કેફ કરતા.નૂરમોહમ્મદનાઁ સુષુપ્ત નૂરને પણ શૂર ચડયુઁ,ગઝલની સમજદારી વધી.એના કાયદા કાનુન કિસ્મત કુરેશીએ સમજાવ્યા અને પછી તો પ્રતિભા પાંગરી,.નાઝિર કિસ્મતને તેમના ગઝલગુરુ માનતા હતા.’નાઝિરની ગઝલો’ તેમને અર્પણ કરી હતી. નાઝિર તખલ્લુસ પણ કિસ્મત ભાઈએ આપેલુઁ.
ગુજરાતી અને ઉર્દુની ઉત્તમ શાયરીનુઁ અનુપાન અન્દરના બીજને અંકુરિત, પલ્લવિત,પુષ્પિત કરવા માઁડ્યુઁ.અને ગુજરાતી ગઝલના બાગમાઁ એક નાનો પણ મધમધતો છોડ બારમાસી સુગન્ધ દેવા માઁડ્યો.
એમની ગઝલોના મોઘમ ઈશારાઓ સમજનારા પાકયા છે.મનહર ઉધાસ એમના કંઠમાઁ નાઝિરની ગઝલોને રમાડે છે,તો મોરારી બાપુ તો ત્યાઁ સુધી લખેછે કે રામકથામાઁ તુલસીદાસ સિવાય કોઇની કવિતા એમણે ગાઈ હશે તો એ માન કદાચ નાઝિરનેજ મળ્યુઁ હશે..

‘ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે .

જમાનાનાઁ બધાઁ પુણ્યો જમાનાને મુબારક હો,
હુઁ પરખુઁ પાપને મારા એવા નયન દેજે.

નાઝિર અચ્છા ગઝલકાર ઉપરાઁત એક અચ્છા ગાયક પણ હતા.પોતાની ગઝલને તરન્નુમથી ગાતા ત્યારે વાતાવરણમાઁ કવિતા અને સંગીતની જુગલબન્દીની ખુશ્બૂ પથરાઈ જતી .જેવા સ્વભાવના સુકોમળ તેવાજ અવાજના સુકોમળ .શરીરમાઁ લોહી ઝઝુઁ નહોતુઁ પણ લોહીની મીઠાશ અપરઁપાર હતી.એમણે રુપિયાજ નહીઁ શબ્દો પણ બહુ ઓછા વાપર્યા છે.પણ એ શબ્દોમાઁ વાત લાખ રુપિયાની કહી છે.અને એ અનુભવ વાણી ગુજરાતી ભાષામાઁ કહેવતો તરીકે વપરાવાની છે.

’ખુશીથી કોઇને જ્યારે મરી જવાની ઈચ્છા થઇ
તો ત્યાઁથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઇ,

પણ નાઝિર ને જવાની ઈચ્છા નહોતી એટલે કાળ પાછો ફર્યો નહીઁ
નાઝિર કહે:

સમજી લો કેટલી આ દુર્ભાગી પળ હશે કે
જીવનનાઁ સ્વાસને પણ અળગા કરી ર્હ્યુ છુઁ.

એ રીતે ઉઠાવ્યા આજે કદમ મેઁ ‘ નાઝિર ‘!
ધરતીથી જાણે છૂટા છેડા કરી રહ્યો છુઁ હુઁ.
.****
’જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવયેઁ
રખેને આ રૂડો અવસર ફરે મળે ન મળે.
*****
શિષ્ટ મુશાયરા ,રેડિઓ, સમારંભો,મહેફિલો તથાપ્રતિષ્ઠિત સામાયિકોમાઁ માન ભર્યુઁ સ્થાન મેળવનાર શિષ્ટ ગઝલોના સર્જક ‘ નાઝિર’ દિમાગની નહીઁ પરંતુ સર્વથા દિલની કવિતા લઈને આવનારા. આ અનેકોના માનીતા ગઝલકારની પ્રશસ્ય પ્રતિભાનો સંચય “તૃષારે” ગઝલ રસિકોની અતિ ચાહના મેળવી.
મસ્ત ગાયક શ્રી મનુભાઇ પટેલ ની વિશિષ્ટ રજૂઆત અને મોહક કંઠ મારફ્ત ‘નાઝિર’ની ગઝ્લો મહેફિલોમાઁ વહેતી થઇ .અને એને દ્વારકાથી કલકત્ત્ત સુધી વહાવી નાઝિર માટે એક શિષ્ટ સહ્રદય વર્ગ ઉભો થયો.
(“નાઝિરની ગઝલો” ના પરિચ્ય અને આમુખ માઁથી થોડુઁ ટુઁકાવીને.)

પરિચય: કિસ્મત કુરેશી

આમુખ:જયેન્દ્ર ત્રિવેદી

ચાલો બે એક ગઝલ પણ માણી લઈએઁ
1
નામ ચાલેછે.

તમારાથી વધુ અહિયાઁ તમારુઁ નામ ચાલે છે.
અને એ નામ થી મારુઁ બધુઁ એ કામ ચાલે છે.

અમે નમીએ છીએ તમને તો વઁદે છે જગત અમને
તમારુઁ આમ ચાલે છે, અમારુઁ આમ ચાલે છે .

મિલન કેરી લગન શી છે? નિહાળીલો નનામીને
કે મન દોડે છે મોઢા ગળ, ધીમે સીગરામ ચાલે છે.

ઘડે છે ઘાટ ઘડવાના પ્રયાસો પીઁડની પહેલાઁ
અહીઁ પ્રારંભની પહેલાઁ જૂઓ પરિણામ ચાલેછે.

લડી રહી છે નજર સાથે નજર, હો ખેર મનડાની,
છે જુનુઁ વેર ને જીવલેણ સંગ્રામ ચાલે છે.

તમારી વતમાઁ ‘નાઝિર’! જરૂર કઁઈ ભેદ લાગે છે
કે જે જે સાઁભળે છે બધા બેફામ ચાલે છે

નાઝિર ‘દેખૈયા (‘સુના સદન’માઁથી સાભર)

2

કોણ માનશે !

પ્રાણે હણયા છે પ્રાણ ,ભલા કોણ માનશે !
વિશ્વાસે ડૂબ્યુઁ વહાણ ભલા કોણ માનશે !

હાથે કરીને હુઁ જ તણાઈ ડૂબી ગયો,
પાણીમાઁ નહોતુઁ તાણ ભલા કોણ માનશે !

એની હરેક વાતે મળે મોક્ષ જીવને
શબ્દો છે રામ બાણ, ભલા કોણ માનશે !

સાબિતી કેમ આપવી તારા સિતમ તણી
દિલ છે લોહીલુહાણ ભલા કોણ માનશે !

પાપી લઈ રહ્યા છે પ્રભુજીનાઁ પારખાઁ.
સોનુઁ ચઢ્યુઁ સરાણ ભલા કોણ માનશે !

નિશ દિન જલે છે આગ જુદાઈની દિલ મહીઁ,
મનડુઁ થયુઁ મસાણ , ભલા કોણ માનશે !

‘નાઝિર’ની સાથે સાથે રહ્યા એ જીવન પર્યઁત
’નાઝિર’ હતો અજાણ, ભલા કોણ માનશે !

_’નાઝિર ‘દેખૈયા (નાઝિરની ગઝલો, માઁથી સાભર)

કવિતા_સુરેશ દલાલ

1
લાયબ્રેરીમાઁ એક છોકરી
બુકમાર્ક જેવી

2
સવારના પ્હોરમાઁ
ઊગતા ધુમ્મસને
નદી
પોતની લયતાલમાઁ વહેતો કરેછે
અને કિરણને વરદાન આપેછે

3
કોઈ અજાણી ગુફામાઁ
હુઁ મારી અનાદિ બેચેની સાથે બેઠો છુઁ

4
તારા સાઁનિન્ધ્યમાઁ
ત્વચામાઁ ઝણઝણાટી
અને વાચા ચૂપ

5

વરસાદ પડ્યો
અને પથ્થરો પણ
ધીમુઁ ગીત ગણગણવા લાગ્યા

6
આઁસુ છલકતી આંખે
એક સ્ત્રી
ક્યારનુઁ પોતાનુઁ સ્મિત શોધી રહીછે

7
હણ હણતા અશ્વ પાસે
એક વ્રુધ્ધ ચુપ ચાપ ઊભો છે

8
મારા ખભા પર એક પંખી બેઠુઁ
અને મારો ખભો વૃક્ષની ડાળ થઈ ગયો

_સુરેશ દલાલ

Monday, February 26, 2007

જિગર ટંકારવી અને એમની ગઝલો

પરિચય

જિગર ટંકારવી
નામ : ઈબ્રાહીમ અહમદ પટેલ
ઉપનામ : જિગર ટંકારવી
જન્મ સ્થળ: ટંકારી બન્દર
તા: જઁબુસર જિ.ભરૂચ
અભ્યાસ : બી.એસ.સી
વ્યવસાય : સરકારી સેવામાઁથી નિવ્રૃત
વહોરા સમાચાર માસિકના
સહતંત્રી પદે.
પ્રકાશનો : ચૂપ નામનુઁ અનિયત કાલિક ગઝલ પત્ર
કોઇ નામનુઁ અનિયત કાલિક ગઝલ પત્રનુઁ સહ સઁપાદન
ગુજlish ગઝલોનુઁ સહ સઁપાદન
ફૂલવસો ગઝલ સંગ્રહ

હાલનુઁ સરનામુઁ: રિયાઝ મઁઝિલ ,અલીફ નગર,તિઘરા રોડ
પો.કાલિયાવાડી_396 427
તા.જિ. નવસારી(ગુજરાત)

માણો એમની બે સુઁદર ગઝલો.


હાથમાઁ

કૈઁક લીલુઁ સમ ઉગાડો હાથમાઁ
રેખના હરણાઁ ને પાળો હાથમાઁ

વેરનો કેવોય હો રસ્તો વિકટ
હાથ સબઁધોના આપો હાથમાઁ

ભેદની મુઠ્ઠી ન ઉઘડે ત્યાઁ સુધી
ખાલીપો ઝૂર્યે જવાનો હાથમાઁ

ભાગ્યનુઁ જંગલ ગહેકશે કોઇનુઁ
મોર મેઁદીનો કળાયો હાથમાઁ

એકનો તો એક પણ દેખાય ના
એકમાઁતો એક આખો હાથમાઁ

_જિગર ટંકારવી(ફૂલવાસો)



વાતાવરણ


આવ સથે માણીએ બે એક ક્ષણ
આજ માફક લાગતુઁ વાતાવરણ

બઁધ બારી રાખવી ગમતે મને
પણ જરૂરી છે હવા ,અજવાશ પણ

વાત ખુશ્બોશી પ્રસરતી જાય છે
મૌન તારુઁ ફૂલ જેવુઁ છે સજણ

પ્રાત: સાથે અંત પ્રતીક્ષાનો થશે
એટલે મીઠુઁ કર્યુઁ છે જાગરણ

એક આશાની ખજૂરી શોધુઁ છુઁ
સૂર્ય માથે ને ઉડે છે રેત કણ

_જિગર ટંકારવી(ફૂલવાસો)

Sunday, February 25, 2007

દીવાલો_મસ્ત મઁગેરા

દીવાલો_મસ્ત મઁગેરા

આપણી એમની છે દીવાલો
કોણે એ સાચવી છે દીવાલો?


એમ તો લાગણી છે દીવાલો
હેતની માઁગણી છે દીવાલો

કૈંક મનમાઁ બની છે દીવાલો
એજ તો તોડવી છે દીવાલો


પ્રાથના ત્યાઁ જઈને કરવી છે
સાવ જર્જર બની છે દીવાલો

પીઠને આશરો તો આપેછે
એટલી તો ભલી છે દીવાલો


હાસ્ય પદઘાય છે કોઈ ઘરમાઁ
ક્યાઁક ડૂસ્કે ચઢી છે દીવાલો

હાથ લંબાવી મે ભાળી પણ
કયારે દિલથી મળીછે દીવાલો?

ઈઁટની ભૂલ કઁઈ નથી એમાઁ
માનવી એ ચણી છે દીવાલો


મળવા માટે કદમ ઉપાડયા તો
ત્યાઁજ વચ્ચે નડીછે દીવાલો

એ ય પાડોશી થઈને સાથે રહે
એવી કઁઈ જોડવી છે દીવાલો

એક સહિયારુઁ ઘર બને દોસ્તો
કયાઁક એવી ચણી છે દીવાલો?

_મસ્ત મઁગેરા(કંકાવટી)

Saturday, February 24, 2007

વરસાદમાઁ_રતિલાલ અનિલ

વરસાદમાઁ_રતિલાલ અનિલ


હા,તમે બોલ્યા,તાઁ ભીના સાદમાઁ,
આપણે બન્ને હતાઁ વરસાદમાઁ

શબ્દોમાઁથી શીળી ખુશ્બુ આવતી
કેટલી ભીનપ હતી સંવાદમાઁ

આખી સૃષ્ટિ સાવ ભીઁજાતી હતી
કેમ રહીએઁ આપણે અપવાદમાઁ

દોડતો ને બોલતો ભીનો પવન
આપણે પણ સાવ એવા નાદમાઁ

પીઠ પર ઝાપટ ભીની પડતી રહી
ભીની શાબાશી મળી’તી દાદમાઁ

ભીની ભોઁયે આપણા પગલાઁ હતાઁ
રહી જવાના ચિહન ભીની યાદમાઁ


આજ ભીના પંથ પર ચાલ્યા જવુઁ
વાયદો કરશો નહીઁ કે ‘બાદમાઁ’ !

_રતિલાલ અનિલ(અલ વિદા!ના સૌજન્યથી)

Friday, February 23, 2007

આઝાદ નઝમો*જનાબ આદિલ મનસુરી

ફૉકલેઁડ રોડ

સડીગયેલી રકત ની નહેરો

માઁસ નુઁ અગ્નિતાઁડવ રચિત એક નગર

ભૂળા અંગોથી ઉભરાતુઁ વાસનાનુઁ વિષ

પથારીઓ પર તૂટતી લહેજ્તોની ક્ષણો

મૃત્યુના હૉઠો પર શ્યામ સ્મિત



મરીન ડ્રાઈવ

નગરજનોથી તંગ આવીને

શોરબકોરથી પીછો છોડાવીને

ઉઁચી ઊઁચી ઈમારતો

આત્મહત્યા કરવા માટે

કતાર બ કતાર દરિયા કિનારે

કયારની આવીને ઉભી છે,


રાત્રિ

રાત્રે ચોપાટીની ઠંડી રેતી પર

વાસનાઓના ઉષ્ણ પડછાયા પોઢી ગયા

આનઁદ ના જઁગલોમાઁ ખોવાઈ ગયા


_આદિલ મનસુરી


જનાબ આદિલ મનસુરી સાહેબની આઝાદ ઉર્દુ નઝ્મોનો અનુવાદ_વફા
(ઉર્દુ કાવ્ય સંગ્રહ હશ્રકી સુબહે દરખ્શાઁ હો......માઁથી સાભાર)

Monday, February 19, 2007

ક્યાં સુધી જશે! ગુલામ અબ્બાસ

પાગલ હ્રદય આ લાગણી પણ ક્યાં સુધી જશે!
ઠોકર જો મળશે માર્ગમાં પાછી વળી જશે!

મઝધારથી શું ભય ને કિનારાનો મોહ શું!
શ્રધ્દ્રા છે જ્યારે પૂરી કે નૌકા ડુબી જશે.

એ ચીસ જેવી ચીસને પણ અવગણી ગયા,
ને ધારણા હતી કે ઇશારો કળી જશે.

ભર ઊંઘમાંય આવે ન હોઠો ઉપર એ નામ,
ભીંતોને કાન હોય છે તે સાંભળી જશે.

આવ્યો પ્રસંગ સુખનો, જીરવજે સભાન થઈ,
આદત વગરનું હાસ્ય તો આંખો ભરી જશે.

'અબ્બાસ' બીજું કઇ નહીં સોબતની હો અસર
મસ્જિદમાં જઈને બેસ, નમાજ આવડી જશે.

ગુલામ અબ્બાસ
ગઝલ સંગ્રહ 'ઉચાટ' માંથી સાભાર

Saturday, February 17, 2007

ચાંદની ડસતી રહી આદિલ મન્સૂરી

પથ્થરોને ચાંદની ડસતી રહી,
રાત ખૂણામાં ઉભી હસતી રહી.

શ્વાન તો પોઢી ગયા મધરાતના,
ને ગલી એકાંન્તની ભસતી રહી.

મન, જે એના સ્પર્શને ઝંખી રહ્યું.
આંખ એના હેમને કસતી રહી.

આંખ તો કયારેય સુકાઈ નહીં.
ને હ્યદયમાં ભેખડો ધસતી રહી.

મારા પડછાયાને હું ધકકેલતો,
એની છાયા લઈને એ ખસતી રહી.

સેંકડો આવ્યા અને ચાલ્યા ગયા,
તોય દુનિયામાં ઘણી વસ્તી રહી.

અંતકાળે લેશ પણ પીડા નથી.
જિંદગીભર મોતની મસ્તી રહી.

આદિલ મન્સૂરી
ગઝલ સંગ્રહ "મળે ન મળે" માંથી સાભાર

Thursday, February 15, 2007

પ્રેમના ગૌરવ ખાતર ઓ હેંનરી (1862 - 1910)

પ્રેમના ગૌરવ ખાતર ઓ હેંનરી (1862 - 1910)
અસલ નામ વિલિયમ સિડની પોર્ટર

ઑ. હેનરી ની મનસુખ કાકડિયા અનુવાદિત સુંદર વાર્તા. વાર્તાનો
અકલ્પ્ય અંત ઓ હેંનરીનો
ખાસ ઈજારો હતો અને આ વાર્તા પણ
આવી જ ખાસિયત ધરાવે છે. ઓ. હેનરીની અન્ય વાર્તાઓ

માટે કલિક કરો: http://www.online-literature.com/o_henry/

ડોકટરે ઘણા સમય પહેલાં તેની પ્રેકિટસ છોડી દીધી હતી, પરંતુ
વૉર્ડમાં જયારે જયારે કોઈ ખાસ રસ પડે તેવો કેસ આવતો ત્યારે ત્યારે હોસ્પિતલના
દરવાજા પર તેની ઘોડાગાડી અવશ્ય જોવા મળતી. યુવાન, દેખાવડો, તેના
વ્યવસાયની ટોચ પર બિરાજમાન, પૂરતી આવક ધરાવતો અને છ મહિના
અગાઉ એક સુંદર છોકરીને પરણેલો અને તેના ભરપૂર પ્રેમને પામેલો - તેના
નસીબની કોઇને પણ ઈષ્યૉ થઈ આવે તેવું હતું.

તે ઘરે પહોંચ્યો ત્યારે નવ વાગી ગયા હોવા જોઈએ. તબેલાવાળો
ઘોડા લઈને વિદાય થયો અને તે હળવેથી દોડતો પગથિયાં ચડયો. બારણું ખૂલ્યું
અને તેના ગળા આસપાસ ડોરિસના હાથ ભીંસપૂર્વક વીંટળાય વળ્યા અને તેના
ગાલ પર તેના ગાલ ચંપાયા.

"ઓહ, રાલ્ફ," તેણે કાંપતા અને ઉદાસ અવાજમાં કહ્યું, "તમારે ખૂબ
આવવામાં ખૂબ મોડું થઈ ગયું છે. જયારે તમે સમયસર ઘરે નથી આવતા ત્યારે
તમને ખબર નથી કે મને તમારી ગેરહાજરી કેટલી બધી સાલવા લાગે છે.
તમારા માટે ગરમાગરમ જમવાનું તૈયાર જ છે. મને તમારા દર્દીઓની ખૂબ જ
ઈર્ષ્યા થાય છે - તેઓ તમને મારાથી ખૂબ દૂર રાખે છે."

"હોસ્પિટલનાં તે બધાં દ્ર્શ્યો જોયા બાદ તું મને કેટલી બધી તાજી,
મીઠી અને તંદુરસ્ત લાગે છે." જે માણસને ખાતરી હોય કે તેની પત્ની તેને
ભરપૂર ચાહે છે તેનામાં જેવો આત્મવિશ્વાસ હોય તેવા આત્મવિશ્વાસભરી નજરે
તે તેના હજુ છોકરમત ભરેલા ચહેરા સામે સ્મિત કરતો તાકી રહ્યો.. "મારી
કૉફી તૈયાર રાખ, બચુકડી, હું ઉપર જાઉં છું અને કપડાં બદલીને આવું છું."

વાળુ કરી લીધા બાદ તે તેની પ્રિય આરામખુરશીમાં બેઠો અને તે
તેની ખાસ જગ્યા એવા તે ખુરશીના હાથા પર બેઠી અને દીવાસળી સળગાવીને
તેની સીગાર આગળ ધરી. તે તેની સાથે હતો તે એટલી ખુશ હતી કે -- તેનો
એકએક સ્પર્શ હૂંફથી ભરેલો હતો, તેનો એકએક શબ્દ લાગણીથી તરબતર હતો
-- એક સમયે માત્ર એક જ પુરૂષ પર પોતાનું સર્વસ્વ ઓવારી દેતી કોઈ સ્ત્રીની
જેમ.

"આજે રાત્રે મારો સેરેબ્રો-સ્પાઈનલ મેનિન્જાઈટિસનો કેસ નિષ્ફળ.
ગયો," તેણે ગંભીર અવાજે કહ્યું.

"તમે મારી પાસે છો છતાંયે નથી," તેણે કહ્યું, "હું જ્યારે એવું
વિચારતી હોઉં છું કે તમે પૂરેપૂરા મારા છો તે સમયે પણ તમારા વિચારો તો
હંમેશાં તમારા વ્યવસાયમાં જ પરોવાયેલા હોય છે. ઠીકઠીક તે જે હોય તે," તેણે
નિસાસો નાખ્યો, "તમે યાતના ભોગવતા લોકોને મદદ કરો છો. ઈચ્છું કે
તમારા તે બધા યાતના ભોગવતા લોકોને શાંતિ મળે અથવા તો તમારા પેલા
સેરેબ્રો-----શું હતું તે ? ......ની જેમ ચિરશાંતિ પામે."

"કેસ કંઈક વિચિત્ર હતો," તેની પત્નીના હાથને પંપાળતાં ધુમાડા અને
સીગારના ધુમાડાના ગોટામાં જોઈ રહેતાં ડૉકટરે કહ્યું, "તે સાજો થઈ ગયો
હોત. હું જ તેનો ઈલાજ કરતો હતો અને મારો ઈલાજ તેને લાગુ પણ પડી ગયો
હતો.. પરંતુ કશી જ ચેતવણી વગર તે મારા જ હાથોમાં મ્રુત્યુ પામ્યો. તે કંઈક
કૃતધ્ન નીકળ્યો કારણ કે મેં તેનો ઈલાજ સુદર રીતે કર્યો હતો.. મારા માનવા
પ્રમાણે તો તે જીવવા જ નહોતો માગતો. કંઈક મૂર્ખાઈભર્યા પ્રેમપ્રકરણની
નિષ્ફળતાએ તેને બીમાર પાડી દીધો હતો ."

"પ્રેમપ્રકરણ? ઓહ, રાલ્ફ, મને જરા કહો તો ખરા કે તે શું હતું.
વિચાર તો કરો કે હોસ્પિતલમાં પ્રેમપ્રકરણ !"

"અવારનવાર થઈ આવતી પીડા વચ્ચે તેણે આજે સવારે મને તેણે
ટુકડેટુકડે કહેવાનો પ્રયત્ન કર્યો હતો. તેનું આખું શરીર પીડાનું માર્યું
પાછળ કમાનાકારે એટલું બધું વળી જતું હતું કે તેનું માથું લગભગ તેની પાનીને
અડકી જતું હતું અને તેની પાંસળીઓમાંથી લગભગ તે તૂટી જતી હોય તેવો કડકડ
અવાજ આવતો હતો. તેમ છતાંયે તેણે તેની જીવનકથની ગમે તેમ કરીને સંભળાવી હતી."

"ઓહ, કેટલું દર્દનાક !" ડૉકટરની પત્નીએ તેનો હાથ ડૉકટરના મસ્તક અને
ખુરશી વચ્ચે સરકાવતાં કહ્યું.

"હું જે કંઈ સમજ્યો છું તે પ્રમાણે એવું લાગે છે કે ," ડૉકટરે કહેવાનું ચાલુ રાખ્યું,
"કોઈ છોકરીએ કોઈ ધનવાનને પરણવા માટે તેને પડતો મૂકી દીધો હતો.
પરિણામે તે જીવનરસ અને આશા બન્ને ખોઈ બેઠો હતો અને પોતાની જિંદગી
નર્ક બનાવી દીધી હતી. મેં તે છોકરીનું નામ જાણવાની કોશીશ કરી પણ તેણે
તે જણાવવાની ના પાડી દીધી હતી. મેનિન્જાઈટિસનો તે દર્દી તે છોકરીના
ગૌરવને કોઈ કલંક ન લાગે તે જોવા આતુર હોય તેમ લાગતું હતું. કોઈ દેવદૂતની
જેમ તેણે પણ પોતાનું નામ નહોતું જણાવ્યું. તેણે તેની ઘડીયાળ નર્સને આપી
દીધી હતી અને કોઈ મહારાણી સાથે વાત કરતો હોઈ તેટલા આદરપૂર્વક
તેણે તેની સાથે વાત કરી હતી. હું તેને મરી જવા બદલ માફ નહીં કરું કારણ
કે મારા ઈલાજે કોઈ ચમત્કારિક અસર કરી હતી. પરંતુ આજે સવારે જ તે
મરી ગયો . અરે હા, મારા ખિસ્સામાં એક નાની એવી વસ્તુ છે જે તેણે મને
આપી હતી અને કહ્યું હતું કે તેને તેની સાથે કબરમાં દફનાવવામાં આવે.
તેણે કહ્યું હતું કે તે એકવાર આ છોકરી સાથે સંગીતના જલસામાં જવા નીકળ્યો હતો.
તેઓએ થિયેટર નજીક પહોંચતાં તેઓનો વિચાર બદલ્યો હતો અને ચાંદની
રાતમાં બગીચામાં ફરવાનું પસંદ કર્યું હતું. પેલી છોકરીએ ટિકિટના ફાડીને
બે ટુકડા કરી નાખ્યા હતા અને એક ટુકડો આ માણસને આપ્યો હતો
અને બીજો પોતાની પાસે રાખ્યો હતો. આ રહ્યો તે ટુકડો - 'પ્રવેશ' શબ્દ છાપેલો
કાર્ડપેપરનો ગુલાબી ટુકડો..

જો, જો, બચુકડી, ખુરશીનો હાથો ખૂબ લીસો છે, લપસી ન પડે. વાગ્યું તો નથી ને !"

"ના, રાલ્ફ. એટલું જલ્દી મને કંઈ થઈ જાય એટલી નાજુક હું નથી.
રાલ્ફ, તમારા માનવા પ્રમાણે પ્રેમ શું છે?"

"પ્રેમ ? બચુકડી ! ઓહ, પ્રેમ એ મનના એક હળવા પ્રકારના પાગલપણાનો પ્રકાર છે,
તે બાબતે કોઈ શંકા નથી. મગજની વધુ પડતી સંવેદનશીલતા જે તેને એબનોર્મલ
અવસ્થા તરફ દોરી જાય છે. તે પણ ઓરી જેવો જ રોગ છે અને તેમ છતાંયે વેવલા
લોકો આવા કેસો સારવાર માટે અમને તબીબી શાખાના ડૉકટરોને સોંપવાની ના પાડે છે."

તેની પત્નીએ ગુલાબી ટિકિટનો અડધો ટુકડો લીધો અને પ્રકાશ સામે ધરીને
તે પરના અક્ષ્રરો વાંચયા. "પ્રવેશ----------" તેણે સહેજ હસતાં કહ્યું,
"મારા ધારવા પ્રમાણે તો તેને અત્યાર સુધીમાં પ્રવેશ મળી ગયો હશે, ખરું ને, રાલ્ફ?"

"કયાંક, "પોતાની સીગાર ફરી સળગાવતાં ડૉકટરે કહ્યું.

"રાલ્ફ , તમારી સીગાર પૂરી કરો અને પછી ઉપર આવો, " તેણે કહ્યું. "હું જરા
થાકી ગઈ છું અને ઉપર તમારી રાહ જોઉં છું."

"સારું, બચુકડી, " ડૉકટરે કહ્યું, "જા અને મજાના સ્વપ્નો જો."

તેણે સીગાર પૂરી કરી અને બીજી સળગાવી.

તે જ્યારે ઉપર ગયો ત્યારે લગભગ અગિયાર વાગી ગયા હતા.

તેની પત્નીના રૂમમાં ધીમા પ્રકાશે બત્તી પ્રકાશી રહી હતી અને તે
પથારીમાં નિર્વસ્ત્ર પડી હતી. તે તેની બાજુમાં ગયો અને તેનો હાથ
પોતાના હાથમાં લીધો. સ્ટીલની કોઈ ચીજ નીચે ફરસ પર પડી
અને ખણખણી. તેના રૂપાળા ચહેરા પર તેણે લાલધૂમ
ભયાનકતાને પ્રસરતી જોઈ અને તેનું લોહી થીજી ગયું.

તે તરત બત્તી નજીક ગયો અને તેને પૂર્ણ તેજસ્વી કરી. તે બૂમ પાડવા માટે હોઠ
પહોળા જ કરવા જતો હતો કે તેની નજર ટેબલ પર પડી. ફાટેલી ટિકિટના
બ્ન્ને ટુકડા એકબીજા સાથે બરાબર બંધ બેસે એ રીતે ગોઠવાયેલા ટેબલ પર પડયા હતા.

------------------
| પ્રવેશ : માત્ર બે |
------------------


અનુવાદ - મનસુખ કાકડિયા

Counters
Web Site Counter
Web Site Counter