Wednesday, June 21, 2006

ગઝલ સમ્રાટ ‘શયદા’_ -જયોતીન્દ્ર હ.દવે

ગઝલ સમ્રાટ ‘શયદા’_ -જયોતીન્દ્ર હ.દવે


ભાઈ શયદાને લોકોએ ગઝલસમ્રાટનુઁ બિરૂદ આપ્યુઁ છે.આજે સમ્રાટોનો યુગતો આથમી ગયો છે,ત્યારે કોઈને વિચિત્ર લાગે..પરંતુ અત્યારના ગઝલકારોમાઁ એમનુઁ સ્થાન અગ્ર પદે છે.એ નિર્વિવાદ છે.
એમની લોક પ્રિયતાનુઁ કારણ એમની ગઝલો ઉત્તમ કોટિની હોય છે,એજ માત્ર નથી.એમણે ગઝલોને’લોકાભિમુખ ‘ ને લોકોને ‘ગઝલાભિમુખ’ બનાવવા માટે સહુથી વધારે પરિશ્ર્મ કર્યોછે.કોઈ પણ લેખક નુ સ્થાન નક્કી કરતાઁ એની ક્રુતિઓની ગુણવત્તા ઉપરાંત ,એના જમાનાના લેખક તેમજ તે પછીની પેઢીના લેખકો પર એની કેવી અસર પડીછે,અને કેટ્લી અસર પડી છે,એનો વિચાર કરવો ઘટેછે.ભાઈ શયદાની અસર આધુનિક ગઝ્લકરો પર કેટલા પ્રબળ પ્રમાણ મા પડી છે તે સહુ કોઈ જાણેછે.
આ સંગ્રહમા પ્રસિધ્ધ થયેલી એમની ગઝલો અત્યાર અગાઉ બહુ લોકપ્રિય થઈ ચુકી છે.એ કેવળ લોક પ્રિય નહીઁ,પરંતુ વિદ્વત્પ્રિય પણ થવાને યોગ્ય છે,એમ એ વાંચનાર ને ખાત્રી થયા વિના નહીઁ રહે.
ભાષાની સરળતા ,ભાવોની સુકુમારતા,વિચારની ગહનતાએ સૌનો ભાઈ શયદાની બાનીમાઁ એક સાથે સમાવેશ થયેલો છે.ઈશ્કે મિજાજી ને ઈશ્કે હકીકી_રતિ અને ભક્તિ બન્નેના દ્રષ્ટાંત એમની ક્રુતિઓમા મળેછે.
પરંતુ એમનો સામાન્ય ઝોક ઈશ્કે મિજાજી કરતાઁ ઈશ્કે હકીકીએ તરફ વધુ છે.
આ સંગ્રહની એ ગઝલ “અમારા વિશે વિશ્વ આખુઁ રમે છે,અમારુઁજ મસ્તકા અમોને નમે છે.
अहँव्रहस्मि એ વેદંતના મહા કાવ્યાના વિવરણ સમી છે.અને શંક્રચાર્યના शिवेहम शीवोहम એ પ્રસિધ્ધ સ્તોત્રનુઁ સ્મરણ કરાવે છે. સાગર તરંગ થઈને સાગરમહીઁ મળીજા, શાને કરે તરંગો સાગર તરી જવાના? એ પહેલી દ્રષ્ટિએ શબ્દ રમત જેવી લાગતી.પરંતુ ગુઢાર્થવાળી પંકતિ પણ જરા જુદા સઁદર્ભમાઁ શ્રી શંકરાચાર્યે પ્રયોજેલી સમુદ્રને તરંગ બની ઉપમાનુ સ્મરણ કરાવેછે.
એમણે યોજેલી ઉપમા ,દ્રષ્ટાંત ,અર્થાંતર ન્યાસ,વિરોધાભાસ,અપહનુતિ જેવા અલંકારો કેવા સ્વભાવિક છતાઁ ચમતક્રુતિપૂર્ણ લાગેછે.તે દર્શાવવ સારુઁ અન્ય ગઝલોમામ્ની થોડીક પંક્તિઓ ટાંકી બતાવવાની લાલચ જગાને આભાવે જતી કરવી પડેછે.
ભાઈ શયદાની શૈલીનો પ્રવાહ વિનાવરોધ વહ્યે જાયછે.પદ્યરચનામાઁ એ સિધ્ધ હસ્ત કસબી છે.કેટ્લીયે પંકતિઓ પદ્ય રચનાની લગોલગ આવેછે,છતાઁયે પદ્યરચના લય ને લહેકો જાળવી રાખે તે જોવા જેવુઁ છે.એમણે પોતાની ગઝલ માટે કહ્યુઁ છે:
’બિચારા વાંચનારા વાંચશે ને સાફ કહેશે કે,
ગઝલ’ શયદાની ‘ સાવ સાદી છે,પણછે મનન માટે.
એ સાચુઁછે એમની ગઝલો ,ભાષા ને રચનાની દ્રષ્ટિએ ‘સાવ સાદી છે,પણ વિચારની દ્રષ્ટિએ મનન કરવા યોગ્યછે.કેવળ મનન કરવ માટે જ નથી ,હ્રદયને આલ્હાદ આપવા માટે પણછે,એટલુઁ વાંચકે પોતાના તરફથી ઉમેરવુઁ પડશે.
એક એમની ઈચ્છ_
નહીઁતો માનવતાના મોઁઘા મંત્ર દે,
વિશ્વ શરણે થાય એવુઁ તંત્ર દે.

-જયોતીન્દ્ર હ.દવે

(ગઝ્લ સમ્રાટ_શયદાનો ગઝલ ગુલઝાર-8)

દર્દ તુઁ _શયદા

દર્દ તુઁ _શયદા

ઠોકરો રસ્તાની ખાશે દર્દ તુઁ;
હઠ ન કર હેરાન થાશે દર્દ તુઁ;

બેસ મારા દિલ મહીઁ આરામ કર;
બા’ર જઈ દુ;ખમાઁ ફશાશે દર્દ તુઁ.


ખા ખુશી મારી અને મુજ ખૂન પી,
ભૂખ પ્યાસે ત્યાઁ રીબાશે દર્દ તુઁ;

કોઈ પણ તારી કદર કરશે નહીઁ;
માન, છેવટમાઁ મુઁઝાશે દર્દ તુઁ;

એ અજાણ્યો માર્ગ તેઁ જોયો નથી,
ક્યાઁ મને છોડીને જાશે દર્દ તુઁ;

જો હશે”શયદા”ના દિલની સાથમા;
પાંચમાઁ નક્કી પુંજાશે દર્દ તુઁ;

_શયદા
(શયદાનો ગઝલ ગુલઝાર-36)

શ્વાસ મારો_“શયદા”

શ્વાસ મારો_“શયદા”
આપણો છે,આપણો ક્યાઁ થાયછે.?
સ્વાસ મારો જિન્દગીને ખાયછે.

દૂર છે ઘર,છે વિકટ રસ્તા બધા,
ઓ અજાણ્યા જીવ કયાઁ તુઁ જાયછે.

નીકળી જા વિશ્વની ઘટ માળ થી,
ફેર માઁ શુઁ કામ ફેરા ખાય છે.

કોઈના પણ નામનો આધાર લે,
એ વિના સૌ અવનિમાઁ અટવાય છે.

એક એનુ નામ કઁઈ ઓછુઁ નથી,
અર્થ એના તો હજારો થાય છે.

ભેદ કયારે વેદના પામીશ હુઁ
કોઇનાથી ચાર આંખો થાય છે.

આજ “શયદા” વાત એ સમજી ગયો,
આપનો અન્યાય એ પણ ન્યાય છે.

“શયદા” (અશ્રુ ચાલ્યા જાયછે-29)
.

Tuesday, June 20, 2006

રણકે ગઝલ- મોહમ્મદઅલી ભૈડુ’વફા’

રણકે ગઝલ- મોહમ્મદઅલી ભૈડુ’વફા’

દર્દનો ભાર હૈયા પર વધે સણકે ગઝલ.
મહેકે કોઇની યાદ ના પુષ્પો રણકે ગઝલ.

હવેતો કયાંથી વસંતી વાયરા પાછા ફરે
સબઁધો કઁટકો થૈને ખુઁપે તણખે ગઝલ.

રદીફ નીલાગણી ને કાફિયા દુ:ભાય જયાઁ,
વજનની અસ્મિતાઓ તૂટતાઁ કણસે ગઝલ.

ઉજાડીદો કોઈના બાગના ભર્યાઁ ભર્યાઁ ફૂલો,
દુ:ખી ની હાય ના રણવગડા પણ જણશે ગઝલ.

સરળ ને સાદી બાની મા ‘વફા’કહીદો મરમ,
સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ.

મોહમ્મદઅલી ભૈડુ’વફા’
15જુન2006

છન્દ:લગાગા,લગાગાગા,લગાગાગા,લગા
(મફાઈલુન,મફાઈલુન,મફાઈલુન,ફઅલ્ )

ગઝલ- મોહઁમદઅલી ભૈડુ”વફા”

લગાગા,લગાગા,લગાગા,લગાગા,
ગઝલને મળ્યાછે બળાપા બળાપા.

રદીફ કાફિયાની કેવી આ બંદિશ,
છતાં રુપ એનૂ સરાપા સરાપા.

વરસ સેંક્ડોથી લખાતી રહી છે,
છતાં એના રંગો સુહાના સુહાના.

કોઇ નવ દુલ્હનની હઠેળી એ જાણે,
રંગોની રમજ્ઝટ હિનાના હિનાના.

ઢળી ગુજ્ર્રી અંગે એની અદાઓ.
અરબ ફારસીની ઝનાના ઝનાના.

ગઝલ ને રૂબાઈ નઝમને મુસદદસ,
અને મસ્નવીના ખઝાના ખઝાના.

અરબ ફારસી ઉર્દુની સોગાત લૈને
થયા કેવા પગરવ મઝાના મઝાના.

વફા આ ગઝલ તો હૈયાની ભાષા
સ્રોતાઓ એના દિવાના દિવાના.

મોહઁમદઅલી ભૈડુ”વફા”
ફેબ્રુ.2006
છઁદ: લગાગા,લગાગા,લગાગા,લગાગા,
(ફઊલુન ,ફઊલુન, (ફઊલુન ,ફઊલુન,)
મુતકારિબ(ભુજંગી) છન્દ.(12 અક્ષરી)

Monday, June 19, 2006

આઝાદ નઝમો_ આદિલ મનસુરી

એકાંત_

તે આંખો પર પટી બાઁધીને ફરે છે,
દીવાલો નો ચૂનો ચાટતી રહેછે,
શાંતિના રણોમા એના ઘરમા,
એની છાતી પર મુત્યુ પામેલા સુરજો છે,
એના શરીરને સ્પર્શીને ક્ષણો વરસો બન્યા,
વરસો ઘણી સદીઓ મા પુરા થાયછે.
તે આંખો પર પટી બાઁધીને ફરી રહી છે.


કુંવારા પન

મારા ખાલી ઓરડામા
ચામા ચીડિયાઁ ઊડી રહ્યાઁ છે,
ઊઁઘ પણ નથી આવતી.

નિર્વાણ

ઓષ્ટ ખુલી નથી શ્કતા,
દાગો ધોવાય નથી શકતા,
સાઁપ,સંત્રા,સુરજ.

અધુરુઁ સ્વપ્ન
:
નિન્દ્રાના મહાસાગરમા
કોઇ જળપરી ચમકી પડી,
અને આંખો ખુલી ગઈ


એકાઁત:

રાત્રે મે બિસ્તરામા
ચાન્દનીના કિરણોને
ઓઢવાનો પ્રયત્ન કર્યો.

ઉતક્રાન્તિ:

હવે અરીસામા પણ હુઁ
પોતાને પરાયો લાગુઁ છુઁ,
આ કાચની બનાવટો.


(જનાબ આદિલ મનસુરી સાહેબની આઝાદ ઉર્દુ નઝમોનો ,ગુજરાતી અનુવાદ.હશ્રકી સઉબ્હ ..માઁથી.’વફા’)

સપના-મોહમ્મદઅલી ભૈડુ’વફા’

રાતા સપના.
માતા સપના.

તુ આવી ગઈ
સાચા સપના.

ઇચ્છા દરિયો,
કાંઠા સપના.

કલ્પના મોતી,
ધાગા સપના.

મૌનની વાચા,
ભાષા સપના.

નિન્દ્રા તૂટી,
જાગા સપના.

સુંઘી રાતો,
પીધા સપના.

પંખી ઉડ્યન,
પાંખો સપના.

કોણ ખરીદે,
તૂટા સપના.

લો ધરી દઊઁ
મારા સપના.

ઉગાડ તુ પણ
તારા સપના.

મોહમ્મદઅલી ભૈડુ’વફા’

બ્રામ્પટ્ન,કેનેડા 1સપ્ટે.2005

વર્ષા- મોહઁદઅલી ભૈડુ”વફા”

આવી વર્ષા.
ભારી વર્ષા.

ચૌ તરફથી
ગાજી વર્ષા.

નગર ઉજાડે
ટાઢી વર્ષા.

ભીઁજવે હૈયુ;
ભીની વર્ષા.

વાદળ નાચે;
કાળી વર્ષા.

મોર ટહુકે
ચહેકી વર્ષા.

ધરતી રેલે;
માથી વર્ષા.

ફૂલો ખીલ્યાઁ;
મ્હેકી વર્ષા.

આઁખો વરસે;
મોતી વર્ષા.

વાદળ આઁબો;
ડાળી વર્ષા.

હૈયા ઉઁઘે
ન્યારી વર્ષા.

મોહઁદઅલી ભૈડુ”વફા”

ગાગાલગા(મુસ્તફઇલુન્ )

નયનછે,ચમનછે ,

નયનછે, ચમનછે ,
હસતુ વદનછે.

ધરતીને આકાશ,
દુલ્હા દુલ્હનછે.

છે પાષાણ હલકુ
ફુલોનુ વજન છે.

મુસાફર અમેતો
ધરા આ વતનછે.

ફકત એક મઁઝીલ
કબરમા જીવનછે.

ટહુકેછે કોયલ ,
રઝળતુ કવનછે.

પ્રણયની ક્થામા
હ્ર્દયપર દમનછે.

નફરતના પૂષ્પો,
આ કેવુ ચમન છે.

અમારી મતાતો,
ધરાને ગગનછે.

બળી જાય દીપક,
ફૂલોનુ કફનછે.

.મોહમ્મદઅલી ભૈડુ”વફા”

Thursday, June 15, 2006

ખબર પડતી નથી _મનોજ ખંડેરિયા



યાદ ભુંસાતી રહી કે હુઁ_ ખબર પડતી નથી
જ્યોત બુઝાતી રહી કે હુઁ_ ખબર પડતી નથી

હુઁ થયો ભરચક ફૂલોની સાવ વચ્ચે પસાર,
મ્હેક વીઁધાતી રહી કે હુઁ_ ખબર પડતી નથી

કૈઁ યુગોથીછુઁ સફરમાઁ તોયે પહોઁચાયુઁ નહીઁ,
કેડી રોકાતી રહી કે હુઁ_ ખબર પડતી નથી

કયાઁ હવે પળને લીલીછમ રાખનારા આંસુઓ,
આંખ્ સુકાતી રહી કે હુઁ_ ખબર પડતી નથી

એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર
ડાળ છોલાતી રહી કે હુઁ_ ખબર પડતી નથી

_મનોજ ખંડેરિયા

Wednesday, June 14, 2006

મારી પ્રથમ ગઝલ -આદત છે- _મોહમ્મદઅલી ભૈડુ’વફા’

મારી પ્રથમ ગઝલ
( જ.મસ્ત મંગેર સાહેબે અને મ.મસ્તહબીબ સા.ત્રણ વખત સુધારી લખાવી,મુઁબઈથી નીકળતા’ઈસ્માઈલી’પખવાડિકમા12મે1967ના રોજ શ્રી હસન અલી નામાવટી અએ પ્રગટ કરી)
આદત છે
ગમે તેવો હો ગમ દિલ પર મને હસવાની આદત છે.
તમે ગમગીન છો સુખમાઁ અનેરી એજ બાબત છે.

સમયનો રંગ બદલાતાઁ બધાયે ભેદ સમજાશે,
પ્રણય શી ચીજ છે,આ જીન્દગી કોની અમાનત છે.

સિતમની થૈ જશે તમને પ્રતિતિએ એજ વેળાએ,
સ્વયઁ આવી નિહાળોકે દિવાનાની શી હાલત છે.

હસી લઊઁછુઁ હુઁ મારી દુર્દશા પર એજ કારણ થી,
કે મારા દોસ્તો માટે ખૂશી ની એજ બાબત છે.

ચમન ને માળી લૂઁટે છે નિગેહબાનીના પરદામા,
છતાઁ સન્દેહ છે એવો કે એનાથી હિફાઝત છે.

પતંગાના વિયોગે રાતભર બળ રહેછે એ.,
’વફા’કાજે શમાની એ ઘણી ઉઁચી શહાદત છે.

_મોહમ્મદઅલી ભૈડુ’વફા’

(આ રચના કઠોર જિ.સુરત –સીરતી સા.ના ગામ માતા.15-10-1967રવિવારન થયેલા મુશાયરમા રજુ કરવામા આવી હતી.જે મુશાયરામા હઝલ સમ્રાટ શ્રી બેકાર સાહેબ નુ સફળ સંચલન હતુઁ.તે સમયના નામાંકિત શાયરો ભગવતીકુમાર શર્મા,રતિલાલ ‘અનિલ’,મસ્તહબીબ સારોદી,શ્રી મસ્ત મંગેરા(આચાર્ય),ગુજરાતીના અકબર ઈલાહાબાદી શ્રી નિસાર અહમદ શેખ(શેખ્ચલ્લી),જ.સીરતીસા.,પરિમલ,અદમ ટઁકારવી,સરોજ પાઠક,ગની દઁહીવાલા , ’વફા’ સૈયદ ‘રાઝ’નવસારવી વિ.એ ભાગ લેવાનુ યાદ છે.મુશાયેરો રાત્રિના મોડા સુધી ચાલ્યો હતો.મુશાયેરાના પ્રમુખ પદે ચામડીના રોગોન નિષ્ણાત મ.ડો.ગુલામમોહમ્મદ મોટાલા સા.હતા.)ભાઇ જનાબ ફારુક રજા કાઝી(હાલ કેંનેડા-ટોરંટોજેવા તર્વરાટ ભરેલા યુવાનોએ મુશાયેરાની કામગીરીને સફળ બનાવવા માટે સિન્હ ફાળો આપ્યઓ હતો. અને મેહમાનીમા કોઈ કસર રાખીનહતી)

Tuesday, June 06, 2006

અન્ધકાર-મખ્દુમ મોહ્યુદ્દીન

રાત્રિના કરમા એક ભીક્ષાનુઁ પાત્ર

આ ચમકી રહેલા સિતારાઓ,આ પ્રકાશિત ચન્દ્ર્મા,

ભિક્ષાના પ્રકાશમા ,માઁગેલા અજવાળામા મગ્ન.

આજ છે દુલ્હનનુ જોડુઁ,અને એનુ કફન,

આ અઁધકારમા મરી રહેલા દેહની કરાહટ

તે શૈતાન ના સ્વાનોનો શત્રુ ઘાટ.

“તે સંસ્ક્રુતિનો ઘાવ”

મખ્દુમ મોહ્યુદ્દીન ની આઝાદ ઉર્દુ નઝમ નો અનુવાદ

મખદુમ મોહ્યુદ્દિન(બીસાતે રકસ)

મેઁ આજે ફરી વાર.......-ગુલામમોહમ્મદ શેખ

મેઁ આજે ફરીવાર જોયુઁ
કે એકને એક વાત રહી રહીને તમારી અંખમાઁ ડોકાય છે.
તમે ફરી દીવાલોની આરપાર જોઈ ર્હ્યા છો.
તમે ફરી વાર બારણાની તિરાડોમાઁ તાકી રહ્યા છો.
ફરી પાછા
વ્રુક્ષની અઁદર પ્રવેશતી ઊધઈ જેમ
સમયના પાછલાઁ પગલાઁ ચીતરી રહ્યા છો,
વર્ષોથી સવાર થઈ ગયેલ ભૂમિ પર
વિસ્તરતા ઘાસની માફક
તમે ફરી ફેલાવા માંડ્યા છો.
સદીઓ લગી જીવોની હિજરાયેલી વેદના
તમારી જરાક ઉઘડેલી આંખોમા પ્રગટી છે.
આદિ માંનવની જેમ તમે પહેલો પ્રણયોચ્ચાર કરવા તત્પર ઊઠયા છો.
પયગમ્બરની જેમ તમે પાપનો એકરાર કરતાઁ ચમકતા નથી,
તમારામાઁ હવે તમે પ્રવેશી રહ્યા છો.
થોડો વખત ભલે તમે દૂર રહ્યા પણ હવે તમે નહીઁ જઈ શકો.
-ગુલામમોહમ્મદ શેખ.

જિજીવિષા-રાવજી પટેલ.

વીસ વર્ષનુઁ એક સામટુઁ જોમ
ઘડીભર આવે તો આ નજર કને
નોઁધારાઁ મારાઁ ગાત સમાઁ
ઊપાન મહીઁ પગ મેલુઁ,
મારી ડબ ડબ ચૂતી છાપરીએ જૈ બેસુઁ.
ડોલુઁ ફણગાતા ખેતરની વચ્ચે.
દક્ષિણ પવન સરીખા રેલ્લા
સીમ છોડીને છૂટે:
સૌની મોર હુઁય આ ઘરમા આવી
ધીરેથી આ ચારપાઈને
સાંજ પડ્યે કે પાછુઁ ગાછુઁ...
(અંગત/5 રાવજી પટેલ 1939-1968)

કાવ્યચર્ચા-ડો.સુરેશ હ.જોષી

સર્જક દ્રૈપાયન બનીને પોતાની ચેતનાને નિર્લેપ રાખે શકે નહીઁ.એની પહેલાની –પાંચ કે પાંચસો કે પાઁચ હજાર વર્ષ પહેલાના –સર્જોકોની સર્જન પ્રક્રિયા સાથે એ પોતાને સંકળાયેલો જુએછે.એ સમસ્તનો એ વારસો ભોગવેછે.પણ એ વારસો ભોગવવાની એની શકિત અને રીતિ એની સર્જક તરીકેની વિશિષ્તા અને મર્યાદાને છ્તી કરેછે.એલિયતને મતે કવિ કેવી રીતે આ વારસો ભોગવેછે,પોતાની ક્રુતિમા બીજાની સામગ્રી કેવી રીતે ઉછીની લઈને વાપરે છે એ પણ એના કવિત્વની એક મહત્વની કસોટી છે.કાચા કવિઓ નરી અનુક્રુતિ કરી છુટે છે,પાકા કવિઓખૂબીથી ચોરેછે,કુકવિઓ જે ઉછીનુ લે છે,તેને વિક્રુત કરી મુકેછે, અને સુકવિઓ જે ઉછીનુ લેછે તેમાથી એથી વધુ સારી ,અથવા વધુ સારી નહીઁ તો કઁઈક વિશિષ્ટ સ્વરુપની,ક્રુતિ નુ નિર્માણ કરેછે.
(કાવ્યચર્ચા)

Sunday, June 04, 2006

પિતાશ્રી ના અવસાન પર - જનાબ આદિલ મનસુરી

એમણે ચાલીસ રાત્રીઓ સુધી આંખનુ મટકુ ન માર્યુ

સ્વપનાઓ ને ઊઁટો ઉપર લાદીને

રાત્રીના રણો મા ચાલતા રહ્યા

ચાઁદની ની ચિતાઓમા સળગતા રહ્યા

ટેબલ પર

કાચના પ્યાલામા મુકેલા

દાંતો હસતા રહ્યા

કાળા ચશ્માના કાચો ના પરદા પાછળથી

મોતિયાની કળી પોતાનુ મસ્તક ઉઁચુ કરે છે

આઁખોમા લાચારી સ્મિત કરી રહી હતી

રૂહના હાથો

સોઈ ની અણીથી ચારણી થૈ ગયા

ઈચ્છઓના ના દીપકો

શરીરમા બુઝાઈ ગયા

નીલા જળ ના પારદર્શક પડછયા

ક્ષણ ક્ષણ બનીને શરીરમા ઉતરવા લાગ્યા

ઘરના છતમા જડેલા

દસ સિતારાના પડછાયાના નીચે

પ્રતિબિંબો ધુઁધળા થૈ ગયા

પ્રતિબિંબો મુરઝાઈ ગયા.

જનાબા આદિલ મનસુરી સાહેબની ઉર્દુ આઝાદ નઝ્મનો અનુવાદ

(એમના ઉર્દુ દીવાન હશ્ર્કી સુબહે દરખશાઁ હો....માથી પુષ્થ 36-37)

Friday, June 02, 2006

બરાડતી રહી.- કિશોરભાઇ પટેલ

તમન્નાઓ સિકઁદર બની બરાડતી રહી.
અને બઁધ હાથ ની રેખા રમાડતી રહી.

અનઁત આકાશ થૈને ઓરતા વિસ્તારના;
અપેક્ષાઓ અમારુઁ જિવન ઉજાડતી રહી.

ચિનગારી મળી કેવી ઠરેલ આગમા;
અગ્નિ ઉમર ભર જુઓને લગાડતી રહી.

તનેહુઁ ભૂલવા આભેખ લૈ રઝળતો ફરુઁ;
અને આવી તુ સપનામા જગાડતી રહી.

ખબર તો એ હતીકે જિઁદગી મિથ્યા” કિશોર”
છતાઁબદલી ચહેરાઓ રડાવતી રહી.

કિશોરભાઇ પટેલ (શબ્દસેતુ,ટોરંટો,કેનેડા )
14માર્ચ2006.
છઁદ:
લગાગાગા,લગાગાગા,લગા,લગા,લગા
(મફાઈલુન્,મફાઈલુન્,ફઅલ,ફઅલ,ફઅલ)

Thursday, June 01, 2006

ઉઘાડી આંખથી -મોહમ્મદઅલી ભૈડુ”વફા”

સુરજની આંખડી વહેલી સવારે સહેજ રાતી થૈ.
લતા શયામલ તણી અઁધકારની કેવી લપાતી થૈ.

કર્યો’તો પ્રયાસ કાંટાએ કે એને છુપાવી લઊઁ,
મહેક પુષ્પોતણી પોતેજ ત્યાઁ વિસ્વાસ ઘાતી થૈ.

થયા નિષ્ફળ જયારે પ્રેમમા ફરહાદ ને કૈસો,
ગઝલ પત્થર અને રેતો ઉપરત્યારે લખાતી થૈ.

ખુદીની શાન જયાઁ ખુદથી ભળીગૈ યાદમા એની,
ઉઘાડી આંખથી એમજ બધી રાતો કપાતી થૈ.

અમે એ શોધવા નીકળી પડ્યા જંગલ અને રણમા,
અમારા સ્વાસમા આવી ને એ પોતે છુપાતી થૈ.

વફા.એના ચમનમાજઈ જરા સુંઘી લીધા પૂષ્પો,
અમારી આંખડી એ કેફ્મા બેહદ શરાબી થૈ.

મોહમ્મદઅલી ભૈડુ”વફા”
31મે206 બ્રામ્પટન,કેનેડા

અજાણી થૈ - સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”

આંસુ વહી રહ્યા પછી, આંખો લૂછાતી થૈ.
ઝરણાં વહી રહ્યા છે, સરિતા સૂકાતી થૈ.

પરદો હટી જતાં, શરમ કયાં હવે રહી,
મહેફિલમાં આવી,એજ હવે ગીત ગાતી થૈ.

મોઢું પણ એક બીજાનુ હવે જોવું નથીગમતુ
બે દિલ વચ્ચેની હવે, દિવાલો ચણાતી થૈ.

સતત ચાલતો રહ્યો, મંઝિલ છે હજી દૂર,
ડગલાં ભરી ભરીને આ જગ્યા મપાતી થૈ.

વર્ષો થયાં પછી,જુઓ અહીં આવ્યો છું હું,
જ્યાં જંગલ હતું ત્યાં હવે, વસ્તી જણાતી થૈ.

એજ રસ્તો છે સતત એના આવ જાવનો,
પૂછે છતાં રસ્તાનું મને, ખુદ અજાણી થૈ.

જિદ્દી શું થયું હતું, એ દિલને પૂછતો રહ્યો,
ઘરડાં થયાં પછી, ગઝલ કેમ લખાતી થૈ.

સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”
કેમ્બ્રીજ,કેનેડા 28મે2006

રાતો કપાતી થૈ.- મસ્ત હબીબ સારોદી

કોઇના આગમનની જયારથી ઘડીઓ ગણાતી થૈ.
ઉઘાડી આંખથી એમ જ બધી રાતો કપાતી થૈ.

છુપી વાતો હતી મહેફિલની તે ચૌટે ગવાતી થૈ.
કોઈ નહીઁ પણ સુરાની વાસ ખુદ વિશ્વાસ ઘાતી થૈ.

તબિયત જયારથી તારા પ્રણયના ગીત ગાતી થૈ.
ભુલાતી ના હતી તેવી બધી વાતો ભુલાતી થૈ.

મને જોઈ નજર એ રીતથી એની લજાતી થૈ.
હતી અફવા સમી જે વાત તે સાચી મનાતી થૈ.

ચમન કોનુઁ, ચમનમાઁ આજ્ઞા કોની પળાતી થૈ.
કળીથી રહી શકાયુઁ ના તો તે મનમાઁ મુસ્કરાતી થૈ.

અમારા મતનુઁ પણ કર્યુઁ ખઁડન કેવી દલીલોથી,
હતી જે વાત જે સાચી આખરે ખોટી મનાતી થૈ.

અમોનેછે ખબર રેહબર થવાની ચાલબાજીની,
અહીઁ એથી અમારા પર તકેદારી રખાતી થૈ.

જરા હળવો થયો આઘાત એથી તો જુદાઈનો,
તમારી હાજરી જયારે કવનમા મુજ જણાતી થૈ.

હતી એક ખેવના મનમાઁ કોઈને કઁઈક કહેવાની,
મથ્યો કહેવા ‘હબીબ’હુઁ એટલે ગઝલો લખાતી થૈ.

મસ્ત હબીબ સારોદી(મસ્તી-69)1965

સુરેશજાની-સૌ માત

મેલ સૌના કાપતી, નીર નિર્મળ રાખતી,
સરિતા આ કલકલતી, માતા ગણાતી થઇ.

ભાર બધા ઝીલતી, ઘાવો ઘણા છતાં,
સુંદર આ ધરા સદા, માતા મનાતી થઇ.

ચંદ્ર સંગ મ્હાલતી, વળી ઓસરી જતી,
શીતલ ને નમણી આ, ચાંદની ચળાતી થઇ.

વૃક્ષોની લાડકી ને સૌની યે માનીતી,
શાતા દેનારી આ, છાયા છવાતી ગઇ.

બાળુડાંના પ્યારમાં, અમ્રુત-ઝરા સમી,
છાતીના દૂધ થકી, જનની ભરાતી ગઇ.

તાપ, ખીણ, સંકટ ને હો નિરાશા બધી!
માત સૌના વ્હાલમાં, જિંદગી જિવાતી ગઇ.

- સુરેશ જાની14 મે 2006, હ્યુસ્ટન

Counters
Web Site Counter
Web Site Counter